અમદાવાદમાં જમણવારમાં ચાર શખ્સોએ ગંદી ગાળો બોલીને તલવારો અને છરા ફેરવી ખુરશીઓમાં તોડફોડ કરી

Webdunia
શુક્રવાર, 26 નવેમ્બર 2021 (12:50 IST)
સમાજમાં નાની નાની વાતની અદાવત રાખીને હવે મોટા ઝગડા ઉભા થવા માંડ્યાં છે. લોકોની ઉશ્કેરાઈ જવાની વૃત્તિ પણ સમાજમાં જોખમી સાબિત થઈ રહી છે. અમદાવાદ શહેરમાં એક પરિવારે લગ્ન પ્રસંગ અગાઉ જમણવાર યોજ્યો હતો. જેમાં નજીકના લોકો જમવા આવ્યા હતાં. આ લોકોમાંથી એક ઈસમે અચાનક જ જમણવારમાં ડીસો ઉછાળવા માંડી અને જોરજોરથી ગંદી ગાળો બોલીને હોબાળો કર્યો હતો. આ ઈસમ જમણવારમાંથી નીકળી જઈને થોડી વાર રહીને અન્ય શખ્સો સાથે ફરીવાર જમણવારમાં આવ્યો અને મહેમાનોની વચ્ચે તલવાર ફેરવવા માંડ્યો હતો. ખુરશીઓ સહિતની વસ્તુઓને નુકસાન પહોંચાડ્યું હતું.

આ અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરાઈ છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના બાપુનગરમાં  મણીલાલ મથુરદાસની ચાલી પાસે યુવક તેના પરિવાર સાથે રહે છે. તેના પરિવારમાં માતા, બે ભાઈ અને એક બહેન છે. તેની બહેનના લગ્ન શહેરમાં જમાલપુરમાં રહેતા પરિવારમાં નક્કી થયાં છે. તેની બહેનની પીઠી ચોળવાની વીધિ નિમિત્તે જમણવાર રાખવામાં આવ્યો હતો. 25 નવેમ્બરે પીઠી ચોળવાની વિધી પુરી કરીને સમગ્ર પરિવાર જમણવારમાં હાજર હતો. આ દરમિયાન રાત્રે સાડા નવ વાગ્યે યુવકની ચાલી માં જ રહેતા એક વ્યક્તિ જમણવારમાં આવ્યો હતો.તે જમતાં જમતાં અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને થાળી ઉછાળીને જોરજોરથી ગંદી ગાળો બોલવા માંડ્યો હતો. 

પરિવારના સભ્યોએ તેને આવું કેમ કરે છે એવો સવાલ કરતાં જ જોરજોરથી ગાળો બોલીને ચાલીમાં પાછો જતો રહ્યો હતો. થોડી વાર બાદ તે પોતાના ભાઈઓ સાથે જમણવારમાં પાછો ફર્યો હતો. આ તમામ લોકોના હાથમાં તલવાર અને છરો હતાં. તેમણે પરિવારને કહ્યું હતું કે મારા ભાઈને જમવા કેમ ના દીધો. આટલું કહીને તેઓ જમણવારમાં ગોઠવેલી ખુરશીઓ તોડવા માંડ્યાં હતાં.ચારેય જણા મહેમાનોની વચ્ચે છરો અને તલવારો ફેરવવા માંડ્યા હતાં. તે ઉપરાંત જેનું લગ્ન હતું તે છોકરીના ભાઈઓને ગદડાપાટુનો માર મારવા માંડ્યાં હતાં.  પરિવારના સભ્યના ખિસ્સામાં પાંચ હજાર રૂપિયા હતાં તે પણ આ સમયે આ ચાર તોફાની ઈસમોએ પડાવી લીધા હતાં. તેમણે પરિવારના સભ્યોને ધમકી આપી હતી કે જો પોલીસને ફોન કર્યો કે ફરિયાદ કરી તો આખા પરિવારને મારી નાંખીશ. ત્યારે પરિવારના એક સભ્યએ પોલીસને ફોન કરતાં જ ચારેય તોફાનીઓ ત્યાંથી ભાગી ગયા હતાં. જેથી પરિવારે આ ચારેય લોકો વિરૂદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

Next Article