અમદાવાદમાં જગન્નાથ મંદિર પોલીસ-છાવણીમાં ફેરવાયું, ગૃહમંત્રી, ડીજીપીએ સમગ્ર રૂટની સમીક્ષા કરી, દરિયાપુરમાં ફૂટ માર્ચ કરી

Webdunia
શુક્રવાર, 9 જુલાઈ 2021 (14:44 IST)
અમદાવાદમાં રથયાત્રા યોજવાની સરકારે મંજૂરી આપી છે. આ અંગે ગઈકાલે જ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી હતી. રથયાત્રા પહેલાં જગન્નાથ મંદિર હાલમાં પોલીસ-છાવણીમાં ફેરવાઈ ગયું છે. આજે પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ-કોન્ફરન્સ યોજીને રથયાત્રાના આયોજન વિશે વધુ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સવારે 7 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મંગળા આરતી અને 7 વાગ્યે મુખ્યમંત્રી પહિંદવિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. પોલીસવડા આશિષ ભાટિયા, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, તમામ ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓએ મળી 50 ગાડીના કાફલા સાથે રૂટ પર નિરીક્ષણ કર્યું.ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ડીજીપી આશિષ ભાટિયા અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના અધિકારીઓએ સરસપુર ખાતે રણછોડજી મંદિરમાં દર્શન કરીને રૂટનું નિરીક્ષણ કર્યું હતું.


સ્થાનિક આગેવાનો સાથે પણ રથયાત્રા મામલે ચર્ચા કરી પ્રેમદરવાજા અને દરિયાપુર પહોંચ્યા છે. અહીંથી તેમણે મોસાળ સરસપુરમાં પણ રણછોડજી મંદિરમાં દર્શન કરીને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.આ પહેલાં ગૃહમંત્રીએ શુક્રવારે સવારે પ્રેસ-કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે,'ભૂતકાળમાં ન થઈ હોય તેવી આ વર્ષે પરિસ્થિતિ થતાં મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે ચર્ચા કરી નવી વ્યવસ્થા વચ્ચે રથયાત્રા યોજાશે. જગન્નાથજીના રથ, મહંત અને ટ્રસ્ટીઓ અને પાંચ વાહન તેમજ એક રથમાં 20 ખલાસી સાથે સરસપુર મોસાળમાં વિધિ પૂર્ણ કરી પરત ફરશે. તમામ ભક્તોને દર્શનનો લાભ મળશે. મહંત અને મુખ્યમંત્રી તેમજ અમારા દ્વારા અપીલ છે કે કોરોના વચ્ચે ગાઇડલાઇન્સનું પાલન કરી લાઈવ દર્શન લોકો કરે. તેમણે વધુમાં કહ્યું હતું કે આજે સમગ્ર વ્યવસ્થાના ભાગરૂપે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી, મહંત દિલીપદાસજી સાથે ડીજીપી આશિષ ભાટિયા સહિત અધિકારીઓ સાથે ચર્ચા કરી છે અને સંકલન કરવામાં આવી રહ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article