ગુજરાતમાં શક્તિપીઠ અંબાજી મંદિરને સોનેથી મઢવા માટેની કામગીરી હાલમાં ચાલી રહી છે. આ માટે ભક્તો દ્વારા દાનનો અવિરત પ્રવાહ પણ ચાલુ છે. છેલ્લા બે દિવસમાં મંદિર ટ્રસ્ટને 79 લાખનું દાન મળ્યું છે. અંબાજી મંદિર ટ્રસ્ટને ગઈકાલે 62 લાખ અને આજે 11 લાખ રૂપિયાનો ચેક તથા 11 તોલા સોનું દાનમાં આપવામાં આવ્યું છે.
તે ઉપરાંત એક માઈભક્તે મંદિરમાં 11 તોલા સોનાનું ગુપ્તદાન પણ કર્યું છે. અંબાજીના મુખ્ય મંદિરના શિખરને સોનેથી મઢવાની કામગીરીનો પ્રથમ તબક્કો ચાલુ છે. જ્યારે બીજા તબક્કામાં નાના મોટા પાંચ શિખરને સોનાથી મઢવાની કામગીરી હાથ ધરાશે.
અંબાજી મંદિર ટ્રસ્ટને અમદાવાદના ધોળકાના એક ભક્ત દ્વારા 1 કિલોગ્રામ સોનું ભેટ આપવામાં આવ્યુ છે. બદરખા ગામથી સોનું ભેટ લઈને આવેલા ભક્તે જણાવ્યુ હતુ કે, સોનું ભેટ ધરનારનુ નામ ગુપ્ત રાખવામાં આવ્યુ છે. તેઓ પદયાત્રા કરીને સોનું ભેટ માટે લઈ આવ્યા હતા.