અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. તાલુકાકક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્યનાં તમામ બંદરો પર ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. દરિયાકિનારે અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ આ વાવાઝોડું પોરબંદરથી 965 કિલોમીટર દૂર છે. હવામાન વિભાગ દ્વારા વાવાઝોડુ ક્યાં ટકરાશે એ હજી ચોક્કસ નથી જણાવાયું, પરંતુ એની સંભવિત આગાહીને ધ્યાને લઈ જામનગર જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ થઇ ગયું છે. જામનગરમાં રાઉન્ડ-ધ- કલોક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે, જે તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો છે તેમજ તાલુકાકક્ષાએ પણ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. જામનગર જિલ્લા કલેકટર બી.એ. શાહે જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં 22 જેટલાં ગામો દરિયાકિનારે આવેલાં હોઈ, એને એલર્ટ કરવામાં આવ્યાં છે તથા એનડીઆરએફની ટીમ સાથે પણ કો.ઓર્ડિનેશન કરવામાં આવ્યું છે. વાવાઝોડાની પરિસ્થિતિમાં દરિયાકિનારે આવેલાં 22 જેટલાં ગામના 70000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પણ તંત્ર સજ્જ છે. આ ઉપરાંત રોઝી બંદર પર મંગળવાર રાત્રિથી બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે તેમજ માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જામનગર શહેરમાં પણ પવનની ગતિ વધી રહી છે.અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનથી રાજ્યમાં સંભવતઃ વાવાઝોડાનો ખતરો દર્શાવાઈ રહ્યો છે, ત્યારે દ્વારકામાં સમુદ્રના પાણીમાં કરંટ જોવા મળી રહ્યો છે અને આઠથી દસ ફૂટ જેટલાં ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. જ્યારે ઓખા બંદર પર 2 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ફિશિંગ બોટો પણ દરિયાકાંઠે લાંગરી દેવાઈ છે.
અમરેલી કલેક્ટર અજય દહિયાએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા તમામ તૈયારી કરી દેવાઈ છે. રાજુલા અને જાફરાબાદના દરિયાઈ વિસ્તારમાં અમારી ટીમ એક્ટિવ છે. 12 તારીખ સુધીમાં પવનની સ્પીડ પ્રતિકલાક 55 કિ.મી સુધી થશે. પીપાવાવ કોસ્ટગાર્ડ વહીવટીતંત્ર દરિયાકિનારે સીધી નજર રાખી રહ્યું છે. વાવાઝોડા સામે તંત્રીની પૂરી તૈયારી છે.