અમદાવાદમાં શાહિબાગની ઘટના બાદ ફાયરબ્રિગેડને NOC યાદ આવી, કરી આ તૈયારીઓ

Webdunia
બુધવાર, 11 જાન્યુઆરી 2023 (11:52 IST)
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ફ્લેટમાં લાગેલી આગમાં એક કિશોરીના મોતની ઘટના બની હતી. આગની ઘટનામાં ફાયરબ્રિગેડ તંત્રની ધીમી કામગીરીના કારણે કિશોરી બચી ના શકી તેવી લોકોમાં ચર્ચા છે, ત્યારે હવે ફાયર બ્રિગેડને પોતાની કામગીરી કરવાની હોય તે યાદ આવી છે. છેલ્લા છ મહિનાથી એક પણ ફાયર એનઓસી અંગેની જાણકારી ન આપનારા ફાયર બ્રિગેડ તંત્રએ એકાએક હવે એક ફાયર એનઓસી ન લીધેલા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગને નોટિસ પાઠવી અને તેઓના પાણી અને ગટરના કનેક્શન કાપવા સુધીની કાર્યવાહીની તૈયારીઓ કરી લીધી છે. 25થી વધુ બિલ્ડિંગોને નોટિસ પાઠવી અને જો ત્રણ દિવસમાં તેઓ એનઓસી નહીં લે, તો તેઓ અન્ય પાણી અને ગટરના કનેક્શન કાપી લેશે તેવી જાણ કરી છે.અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા ગત જુન મહિનામાં કેટલી કોમર્શિયલ અને રેસીડેન્સિયલ બિલ્ડિંગોને ફાયર એનઓસી લેવાની છે તેની દર મહિને વિગતો જાહેર કરવામાં આવતી હતી. આવતા મહિને તેઓની ફાયર એનઓસી પૂર્ણ થાય છે, તો તેની તેઓ એનઓસી મેળવી લે તેવી જાણ પણ કરવામાં આવતી હતી. પરંતુ હવે અમદાવાદના ફાયર બ્રિગેડ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ફાયરબ્રિગેડ તંત્રના અધિકારીઓ હવે NOC મામલે બેદરકાર બની રહ્યા છે. શાહીબાગ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં લાગેલી આગની ઘટના અને તે મામલે ગુજરાત હાઇકોર્ટે ગંભીર નોંધ લીધા બાદ શહેરમાં આવેલી બિલ્ડિંગોમાં ફાયર એનઓસી ફાયર બ્રિગેડને યાદ આવી છે અને તેઓ દ્વારા હવે 25થી વધુ બિલ્ડિંગોને પાણી અને ગટરના કનેક્શન કાપવા સુધીની કાર્યવાહી અંગેની નોટિસ આપી છે.અમદાવાદમાં આવેલી રેસિડેન્સિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગોમાં ફાયર NOC લેવાની બાકી હોય તેવી તમામ બિલ્ડિંગોની યાદી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની વેબસાઈટ પર મૂકવામાં આવતી હતી, પરંતુ અમદાવાદ ફાયરબ્રિગેડના તંત્રના અધિકારીઓની એટલી બેદરકારી છે કે તેઓ દ્વારા કોઈપણ પ્રકારની માહિતી જ મૂકવામાં આવી નથી. ફાયર એનઓસી મામલે કાર્યવાહી કરી અને નોટિસ પાઠવવામાં આવે છે, તે જે પણ બિલ્ડિંગોને નોટિસ પાઠવવામાં આવી હોય તેની પણ માહિતી મૂકવામાં આવતી હતી. પરંતુ કહેવાય છે કે જ્યારે આગ લાગે ત્યારે જ કૂવો ખોદવો પડે તેમ અધિકારીઓ જ્યારે શહેરમાં મોટી આગની ઘટના બને અને હાઇકોર્ટ ગંભીર નોંધ લે, ત્યારે ફાયર એનઓસી સહિતની કાર્યવાહી કરવાની યાદ આવે છે.

સંબંધિત સમાચાર

Next Article