શહીદ જવાન આરીફના જનાજામાં હજારોની મેદની ઉમટી, સેનાના ગાર્ડ ઓફ ઓનર બાદ દફનવિધિ કરાશે

Webdunia
બુધવાર, 24 જુલાઈ 2019 (14:50 IST)
જમ્મુ કાશ્મીરમાં દેશની રક્ષા કાજે શહીદ થયેલા મહંમદ આરીફનો જનાજો તેમના ઘરેથી નીકળ્યો હતો. જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શહીદ જવાના જનાજામાં દેશ ભક્તિના ગીતોની સાથે વીર શહીદ આરીફ અમર રહો, હિન્દુસ્તાન જિંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા મહંમદ આરીફના પાર્થિવ દેહને સયાજી હોસ્પિટલમાંથી આજે પરિવારને સોંપવામાં આવ્યો હતો. જ્યાંથી હજારોની સંખ્યામાં લોકોએ રેલી સ્વરૂપે જોડાયા હતા. આ સમયે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને રસ્તામાં વીર શહીદ આરીફના નારા લાગ્યા હતા. આજે આરીફના પાર્થિવ દેહને તેના નવાયાર્ડ સ્થિત ઘર પર અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો છે. જ્યાં શ્રદ્ધાંજલિ આપવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા. દેશભક્તિના ગીતોથી નવાયાર્ડ વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો. આ સમયે કોમી એખલાસતાના અદભૂત દ્રશ્યો પણ સર્જાયા હતા. હિન્દુ-મુસ્લિમોએ સાથે મળીને પાણી સહિતની તમામ વ્યવસ્થાઓ કરી હતી. આ ઉપરાંત વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો પણ શહીદ જવાનના અંતિમ દર્શન માટે આવ્યા હતા. સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ ગોરવા ખાતે દફનવિધિ મરહુમ જવાન આરીફની દફનવિધિ કરવામાં આવશે. શહીદ આરીફના પિતાએ સફીઆલમખાન પઠાણ જણાવ્યું હતું કે, મારો પુત્ર દેશની રક્ષા કરતા કરતા શહીદ થયો છે. પુત્ર ગયો તેનું મને દુઃખ છે મારો સૌથી લાડકવાયો પુત્ર હતો. હું આંખો બંધ કરીને જુના સંસ્મરણો યાદ કરૂ છું. ત્યારે મને તેની દેશ પ્રત્યેની વાતો અને ભાવના યાદ આવી રહી છે. મારો પુત્ર શહીદ થયો તેનું મને ગૌરવ પણ છે. હું બીજા પુત્રોને પણ આર્મીમાં મોકલવા માટે તૈયાર છું.
 
 

સંબંધિત સમાચાર

Next Article