ગ્યાસુદ્દિન આ વખતે ચૂંટણી હારી ગયા હતાં અને હવે તેમણે પક્ષના પરાજયનો ઈતિહાસનો સૌથી ભૂંડો પરાજય કહ્યો
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસની આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભૂંડી હાર થઈ છે. આ હારને લઈને હાઈકમાન્ડ ખૂબજ નારાજ છે. બીજી બાજુ પક્ષમાં અંદરો અંદર સિનિયર નેતાઓ વચ્ચે ચાલતો જૂથવાદ પણ કોંગ્રેસની હાર માટે જવાબદાર ગણવામાં આવે છે. હાઈકમાન્ડે પ્રદેશ પ્રમુખ બદલી નાંખ્યા અને હવે પ્રભારી પણ બદલવાની તૈયારીઓ કરાઈ રહી છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખની એક ટ્વિટથી રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. તેમણે કરેલી ટ્વિટથી તેઓ પક્ષ અને સિનિયર નેતાઓથી નારાજ હોવાનું જાણવા મળે છે.
A tweet by former Congress MLA Gyasuddin Shaikh
ગ્યાસુદ્દિન શેખની ટ્વિટથી કોંગ્રેસમાં ખળભળાટ
ગ્યાસુદ્દિન શેખે બે ટ્વિટ કરી છે. જેમાં તેમણે પહેલી ટ્વિટમાં કહ્યું છે કે, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને સિનિયર પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખ આપને નિવેદન કરે છે કે, હાલમાં એવો અનુભવ થઈ રહ્યો છે કે,ગુજરાત કોંગ્રેસની આ વખતે ઈતિહાસની સૌથી ખરાબ હાર થઈ છે.તેમજ આ પરાજય બાદ પણ કોંગ્રેસે ક્યારેય પાઠ ભણ્યો નથી. તેમણે કરેલી બીજી ટ્વિટમાં કહ્યું હતું કે, આ પરાજય પાછળના કારણોની તપાસ કરનાર સત્ય શોધક કમિટીએ પોતાના રિપોર્ટમાં એવું તો ક્યારેય નથી કહ્યું કે, રાત દિવસ કામ કરનારાને પણ મહત્વ આપવામાં આવે. તેમણે આ ટ્વિટમાં કે.સી વેણુગોપાલ, કોંગ્રેસ પ્રમુખ ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ ટેગ કર્યાં છે.
કોંગ્રેસના પ્રભારીની કામગીરી પર સવાલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં પ્રભારી અને સહપ્રભારીની કામગીરી પર અનેક સવાલો ઉભા થયાં હતાં. કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ અને પૂર્વ ધારાસભ્યોએ પક્ષપલટો કરીને ભાજપમાં એન્ટ્રી મારી હતી. બીજી બાજુ ચૂંટણીમાં હારના કારણોમાં અનેક મુદ્દાઓ ઉભા થયાં હતાં. જેમાં ચૂંટણી દરમ્યાન ઉમેદવારને મરજી પ્રમાણેના સ્ટાર પ્રચારકો પણ ન મળ્યા. ગુજરાત કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલી બુથ સમિતિઓ માત્ર કાગળ પર રહી ગઈ હતી. કોંગ્રેસ સ્થાનિક સ્તરે ડેમેજ કંટ્રોલ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી. ડેમેજ કંટ્રોલ સમિતિઓ માત્ર કાગળ પર જોવા મળી હતી. એવી પણ ચર્ચા છે કે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ખર્ચ કાઢવાના નામે આ ટિકિટો વેચી હતી તેવો ઉલ્લેખ સત્ય શોધક કમિટીએ રિપોર્ટમાં કર્યો છે.