સુરેન્દ્ર નગરના જવાન કુલદીપ થડોદા ઈંડિયન નેવીમાં ફરજ બજાવતા થયા શહીદ

Webdunia
ગુરુવાર, 29 જુલાઈ 2021 (21:07 IST)
સુરેન્દ્રનગરના લીલાપુર ગામનો 24 વર્ષીય જવાન ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતા શહીદ થયા છે. જેથી આજે તેમના વતનમાં ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામા આવી હતી. સુરેન્દ્રનગરના લીલાપુર ગામના વતની અને છેલ્લા ચાર વર્ષોથી ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતા કુલદીપ થડોદા નામના નેવીના જવાન હાલમાં INS બ્રહ્મપુત્ર યુનિટમાં મુંબઈ ખાતે ફરજ બજાવતા હતા.
 
કુલદીપ થડોદાએ વર્ષ 2017માં જ ઈન્ડિયન નેવી જોઈન કર્યું હતું. ભરતી થયા બાદ 6 મહિના ઓડિસા, 1 મહિનો મુંબઈ, 1 મહિનો ગોવા ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાનું પહેલું પોસ્ટિંગ આઈ.એન.એસ. બ્રહ્મપુત્ર યુનિટમાં મુંબઈ ખાતે ફરજ બજાવતા હતા. જેઓ 28/7/2021ના રોજ પોરબંદરથી મુંબઈ તરફ શીપ લઈને જઈ રહ્યા હતા ત્યાંરે શીપ પર સર્જાયેલા એક અકસ્માતમાં શહીદ થયા હતા.

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થતા શહીદ જવાન કુલદીપ થડોદાના પાર્થિવ દેહને તેના વતન લીલાપુર લઈ જવાયો હતો. આજે સવારે તેના નિવાસ સ્થાનેથી શહીદ જવાનની વિરાંજલી યાત્રા નીકળી હતી. પોતાના ગામના શહીદ જવાનને અંતિમ વિદાય આપવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. અંતિમ સંસ્કાર પહેલા ઇન્ડિયન નેવીના લેફ્ટનન્ટ કમાન્ડર પ્રતીક અરોડા તેમજ તેમના સ્ટાફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું સાથે લખતર પોલીસ દ્વારા પણ ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપી હતી. શહીદ યુવાનના અંતિમ સંસ્કાર માટે લીલાપુર ગામના મુક્તિધામ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં કુલદીપભાઈના બેન મેઘાબેન દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

શહીદ જવાન કુલદીપ થડોદા તેના પરિવારમાં એકનો એક પુત્ર હતો. જે શહીદ થતા પરિવારજનોમાં આક્રંદ છવાયું હતું. આવતા મહિને રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે ત્યારે સ્વભાવિક છે કે દરેક બહેન પોતાના ભાઈને રાખડી બાંધવાની તૈયારી કરતી હોય છે. ત્યારે શહીદ જવાનના બહેન મેઘાબહેન પણ તૈયારી કરતા હશે. પરંતુ, રક્ષાબંધન આવે તે પહેલા જ એકનો એક ભાઈ શહીદ થતા મેઘાબહેને ભાઈના અંતિમ સંસ્કાર કરતા ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ હતી

સંબંધિત સમાચાર

Next Article