ગાંધીનગરમાં આંકડા શાખાની કચેરીમાં ભીષણ આગ ફાટી નીકળતા મહત્વના દસ્તાવેજો બળીને ખાખ

Webdunia
મંગળવાર, 9 નવેમ્બર 2021 (14:51 IST)
ગાંધીનગર જિલ્લા પંચાયતની આંકડા શાખામાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળતા કચેરીમાં રાખેલા મહત્વના દસ્તાવેજો અને કોમ્પ્યુટર બળીને ખાખ થયા હતા. આગની ઘટનાના પગલે દોડી આવેલી ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ જાણવા તપાસ શરૂ કરવામા આવી છે.આજે લાભ પાંચમનાં દિવસ ગાંધીનગર જિલ્લા પંચાયત માટે અશુભ દિન સાબિત થયો છે. સવારે પંચાયત કચેરી ખુલવાના થોડા સમય અગાઉ જ પંચાયત કચેરીનાં પ્રથમ માળે આવેલી આંકડા શાખામાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે નજીકમાં જ આવેલી ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તુરત આગ પર કાબુ મેળવવા કામે લાગી હતી. સતત પાણીનો મારો ચલાવ્યા પછી પણ આગ બેકાબુ બની વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેનાં પગલે ફાયર ફાઇટરો મારફતે પાણીનો મારો ચાલુ જ રાખવામાં આવ્યો હતો. બીજી તરફ પંચાયત કચેરીના કર્મચારીઓ પણ ફરજ પર આવવાની શરૂઆત થઈ ગઈ હતી. કર્મચારીઓ પણ વિકરાળ આગ જોઈને ગભરાઈ ગયા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.આ આગમાં પંચાયતની આંકડા શાખામાં રાખેલા મહત્ત્વના દસ્તાવેજો, કોમ્પ્યૂટર તેમજ ઈલેક્ટ્રીક વાયરીંગ પણ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયાં હતાં. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ એફએસએલ નિષ્ણાતોની ટીમ પણ સ્થળ પર આવી જરૂરી તપાસ કરશે. જે બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવશે.ગાંધીનગર જિલ્લા પંચાયતમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થળ મુલાકાત કરીને સમીક્ષા કરી હતી. ઘટનાની જાણ થતા જ તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરીને સંપૂર્ણ માહિતી મેળવી હતી. ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોચીને આગ પર કાબુ મેળવી લીધો હતો. પરંતુ જિલ્લા પંચાયતની બે વિભાગનો રેકોર્ડ તેમજ બાર જેટલા કોમ્પ્યુટર બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે બીજી કોઈ જાનહાનિ થઈ ન હતી.

સંબંધિત સમાચાર

Next Article