મહેસાણા: મહેસાણામાં બે અલગ અલગ સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ સર્જાઇ હતી. આ મામલો છોકરીની છેડતીને લઇને ઉગ્ર બન્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે છોકરીને છેડતી કરનાર યુવકની અટકાયત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણાના બલોલ ગામે છોકરીની છેડતીને લઇ બે અલગ અલગ સમાજના લોકો સામસામે આવી ગયા હતા. જૂથ અથડામણની જાણ થતા જ પોલીસ કાફલો બલોલ ગામે દોડી આવ્યો હતો અને પોલીસે બંને સમાજના લોકોને વિખેર્યા હતા. જો કે, રવિવાર મોડી રાત્રે સર્જાયેલી અથડામણ બાદ ગામની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને પોલીસ કાફલો ગામમાં ખડકી દેવામાં આવ્યો હતો.
તો બીજી તરફ આ મામલે યુવતીના પરિવારજનોએ સાંથલ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે છોકરીની છેડતી બાબતે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાંથી પોલીસ મુખ્ય આરોપીની અટકાયત કરી લીધી છે. જ્યારે અન્ય 2 વ્યક્તિઓ હરાર છે. ત્યારે હાલ ગામમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે.