સુરતમાં સ્કૂલવાન રિવર્સ લેતા 5 વર્ષનો માસૂમ કચડાયો

Webdunia
ગુરુવાર, 8 ઑગસ્ટ 2024 (18:33 IST)
ગુજરાતમાં સ્કૂલવાન દ્વારા થતાં અકસ્માતો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. સુરતમાં એક સોસાયટીમાં રિવર્સ લેતી વખતે સ્કૂલવાન ચાલકે પાંચ વર્ષના બાળકને ચગદી નાંખતાં ચકચાર મચી જવા પામી છે. સોસાયટીમાં રમતો બાળક પરિવારમાં એકનો એક દીકરો હતો. તેના મૃત્યુના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે સ્કૂલવાન ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 
 
સુરતમાં સિંગણપોર પોલીસના જણાવ્યા પ્રમાણેસિંગણપોર રોડ ખાતે આવેલી નંદનવન સોસાયટીમાં પારસભાઈ નારીગરા રત્નકલાકાર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો એકનો એક દીકરો 5 વર્ષીય શ્લોક સોસાયટીમાં રમી રહ્યો હતો. તે સમયે શારદા સ્કૂલની વાન સોસાયટીમાં વિદ્યાર્થીઓને મૂકવા માટે આવી હતી. સ્કૂલ વાનના ચાલક વિદ્યાર્થીઓને ઉતારી જઈ રહ્યો હતો. ત્યારે રિવર્સ લેતા શ્લોકને અડફેટે લઈ કચડ્યો હતો જેથી શ્લોકનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું.પોલીસે વાનચાલક સંજય પટેલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
 
મૃતક બાળકના પરિવાર તરફથી જાણવા મળ્યું હતું કે, પારસભાઈના પંદર વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને 15 વર્ષના લગ્ન જીવન દરમિયાન 10 વર્ષ બાદ શ્લોકનો જન્મ થયો હતો. 5 વર્ષનો શ્લોક એકનો એક દીકરો હતો. માસુમ શ્લોક અકસ્માતમાં મૃત્યુ પામતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પરિવારે માસૂમ શ્લોકની આંખોનું દાન કર્યું હતું.

સંબંધિત સમાચાર

Next Article