વીજ ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતા ખેડૂતોને નુકશાન થાય તો 200% લેખે વળતર ચૂકવાશે

Webdunia
મંગળવાર, 5 માર્ચ 2024 (17:22 IST)
Power transmission tower-  ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતા સમયે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાન સામે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરાયો છે. ટ્રાન્સમિશન ટાવરના કા૨ણે ટાવર આધારિત વિસ્તારની જમીનના નુકશાન પેટે વળતર ચૂકવાશે. આ માટે વળતરની ગણતરી કરતી વખતે જે-તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના 200 ટકા લેખે ગણતરી કરીને વળતર ચૂકવાશે. જેમાં સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક 10 ટકા લેખે વધારો પણ ધ્યાને લેવાશે.
 
હાલમાં જે વળતર મળે છે તેમાં અંદાજે બે ગણો વધારો થશે
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે હાલમાં જે વળતર મળે છે તેમાં અંદાજે બે ગણો વધારો થશે. ટ્રાન્સમિશન લાઈનના કારણે જમીનના મૂલ્યમાં થતાં ઘટાડા અંગે સરકાર દ્વારા ચૂકવાતા વળતરમાં પણ સુધારો કરાયો છે. જમીન માલિકની જમીન ઉપરથી પસાર થતી વીજ લાઇનની પહોળાઇ તથા લંબાઈને અનુલક્ષીને જમીનના વિસ્તારના 15 ટકાની જગ્યાએ 25 ટકા મુજબ વળતરનું ચૂકવણું કરાશે. આ વળત૨ જે તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઇન જંત્રી દરોના 200 ટકા લેખે વળત૨ ચૂકવાશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક 10 ટકા લેખે વધારો પણ ધ્યાને લેવામાં આવશે.
 
વહીવટી સત્તામંડળો સાથે જરૂરી પરામર્શ કરવામાં આવશે
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ટ્રાન્સમીશન લાઈનના રૂટ નક્કી કરતા પહેલા સ્થાનિક વહીવટી સત્તામંડળો સાથે જરૂરી પરામર્શ કરવામાં આવશે. પરિણામે જ્યાં ખરાબાની કે ગૌચર જમીન ઉપલબ્ધ હોય ત્યાં ચકાસણી કરી ટ્રાન્સમિશન લાઈન શક્ય હોય ત્યાં સુધી ખેતીની જમીનમાંથી ઓછામાં ઓછી રીતે પસાર થાય તેની પણ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવેલ છે. ખેડૂતોને ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર સંદર્ભે ચૂકવાતા વળતરની ગુજરાત સ૨કા૨ના 14 ઓગસ્ટ 2017ના ઠરાવમાં ડિસેમ્બર 2021માં સુધારો કરી વળતરમાં વધારો કરવામાં આવેલ અને ફરી એક વાર બે વર્ષના ગાળામાં ખેડૂતોના હિતમાં વળતરમાં વધારો કરવામાં આવેલ છે.

સંબંધિત સમાચાર

Next Article