18મી ભારત-આસિયાન શિખર મંત્રણા, 2022ના વર્ષને ભારત-આસિયાન મિત્રતાનું વર્ષ જાહેર કર્યું: નરેન્દ્ર મોદી

Webdunia
શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (08:42 IST)
આસિયાન (એએસઇએએન)ના વર્તમાન અધ્યક્ષ બ્રુનેઈના મહામહિમ સુલતાન હાજી હસાનલ બોલકિયાહના આમંત્રણ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 18મી ભારત-આસિયાન શિખરમાં ભાગ લીધો હતો. આ શિખર વર્ચ્યુઅલી યોજાઈ હતી જેમાં આસિયાન દેશોના સદસ્ય રાષ્ટ્રોના આગેવાનોએ ભાગ લીધો હતો.
 
ભારત-આસિયાન ભાગીદારીના 30મા વર્ષની સિદ્ધિનું આકર્ષણ એ રહ્યું હતું કે આગેવાનોએ 2022ના વર્ષને ભારત-આસિયાન મિત્રતાનું વર્ષ જાહેર કર્યું હતું. પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીમાં અને વ્યાપક ઈન્ડો-પેસિફિક વિઝન માટે ભારતના વિઝનમાં આસિયાનની કેન્દ્રીયતાને રેખાંકિત કરી હતી. ઈન્ડો-પેસિફિક (AOIP) અને ભારતના ઈન્ડો-પેસિફિક મહાસાગર પહેલ (IPOI) માટે આસિયાન આઉટલુક (IPOI) વચ્ચેની એકસૂત્રતાના આધારે પ્રધાનમંત્રી અને આસિયાન નેતાઓએ પ્રાંતમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સહકાર પર ભારત-આસિયાન સંયુક્ત નિવેદનને સ્વીકારવાનું સ્વાગત કર્યું હતું.
 
કોવિડ19 અંગે પ્રધાનમંત્રીએ આ મહામારી સામે લડત આપવા માટે દેશમાં ભારતે હાથ ધરેલા પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો અને આ મામલે આસિયાનના દેશોની પહેલમાં પોતાના સહકારનો પુનરોચ્ચાર કર્યો હતો. મ્યાનમાર માટે આસિયાનની માનવતાવાદી પહેલ માટે ભારતે 200,000 અમેરિકી ડોલરની કિંમતની સબીબી સહાયનું યોગદાન આપ્યું હતું અને આસિયાનના કોવિડ-19 રિસ્પોન્સ ફંડમાં એક અબજ અમેરિકી ડોલરની સહાય કરી હતી.
 
ફિઝિકલ, ડિજિટલ અને પ્રજાથી પ્રજાના વ્યાપક જોડાણ માટે ભારત-આસિયન સંપર્કને વેગ આપવા માટે આગેવાનોએ પોતાના વિચારો પ્રગટ કર્યા હતા. ભારત-આસિયાન સાંસ્કૃતિક જોડાણને વધુ મજબૂત બનાવવા માટે પ્રધાનમંત્રીએ આસિયાન કલ્ચર હેરિટેજ લિસ્ટની સ્થાપના કરવામાં ભારતના સહકારની જાહેરાત કરી હતી. વેપાર અને રોકાણ અંગે પ્રધાનમંત્રીએ કોવિડ બાદના અર્થતંત્રને ફરીથી બેઠું કરવા માટે પુરવઠા ચેઇનના વૈવિધ્યકરણ અને સ્થિતિસ્થાકતાના મહત્વને રેખાંકિત કર્યું હતું તથા આ મામલે ભારત-આસિયાન એફટીએમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો.
 
આસિયાનના આગેવાનોએ ખાસ કરીને કોવિડ-19ની મહામારી દરમિયાન વેક્સિનનો પુરવઠો પૂરો પાડવામાં પ્રદેશમાં મહત્વપૂર્ણ ભાગીદારી તરીકે ભારતની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે આસિયાનને ઇન્ડો-પેસિફિકમાં ભારતના સહકારને પણ આવકાર્યો હતો અને સંયુક્ત નિવેદન મારફતે ભારત-આસિયાનના મહાન સહકાર અંગે આતુરતા વ્યક્ત કરી હતી.
 
મંત્રણામાં દક્ષિણ ચીની સમુદ્ર તથા ત્રાસવાદ સહિતના સામાન્ય હિત અને ચિંતાને લગતા પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને પણ આવરી લેવાયા હતાં. બંને પક્ષોએ આંતરરાષ્ટ્રીય કાયદાઓ, ખાસ કરીને યુએનસીએલઓએસના અનુપાલનના માધ્યમથી પ્રદેશમાં નિયમ આધારિત શાસનને પ્રોત્સાહન આપવાના મહત્વની નોંધ લીધી હતી. નેતાઓએ દક્ષિણ ચીની સમુદ્રમાં શાંતિ, સ્થિરતા, સલામતી અને સુરક્ષાની જાળવણી અને તેને પ્રોત્સાહન આપવાના મહત્વનો પુનરોચ્ચાર કરવા ઉપરાંત નેવિગેશન અને ઓવરફ્લાઈટની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
 
ભારત અને આસિઆન મજબૂત, ઉંડું અને બહુવિધ સંબંધો ધરાવે છે અને 18મી ઈન્ડિયા-આસિયાન સમિટે તેમના આ સંબંધોના વિવિધ પાસાંની સમીક્ષાની તક ઉપલબ્ધ બનાવવા ઉપરાંત ઈન્ડિયા-આસિયાન સ્ટ્રેટેજીક ભાગીદારીના ભાવિને સર્વોચ્ચ સ્તરે નવી દિશા પૂરી પાડી છે.

સંબંધિત સમાચાર

Next Article