આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે બોલીવૂડ અભિનેતા શાહરુખ ખાને તેમની ફિલ્મ પઠાનની રિલીઝને લઈને તેમને ફોન કર્યો હતો.
તેમણે ટ્વિટર પર જણાવ્યું છે કે બોલીવૂડના કિંગ ખાન કહેવાતા શાહરુખે તેમને રાત્રે બે વાગ્યે ફોન કર્યો હતો.
હિમંત બિસ્વા સરમાએ ટ્વિટર પર લખ્યું છે કે, “બોલીવૂડ અભિનેતા શાહરુખ ખાને મને ફોન કર્યો હતો અને અમારી આજે સવારે બે વાગ્યે વાતચીત થઈ. તેમણે ગુવાહાટીમાં ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન થયેલ એક ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી. મેં તેમને ભરોસો અપાવ્યો કે કાયદા અને વ્યવસ્થાની જાળવણી એ રાજ્ય સરકારની જવાબદારી છે. અમે આ ઘટનાની તપાસ કરીશું અને સુનિશ્ચિત કરીશું કે આવી અપ્રિય ઘટનાઓ ફરી વાર ન થાય.”
શનિવારે ગુવાહાટીમાં પત્રકારોએ જ્યારે મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાને પૂછ્યું કે બજરંગ દળના કાર્યકર્તા ફિલ્મને લઈને હિંસક વિરોધપ્રદર્શન કરી રહ્યા છે તો તેમણે કહ્યું, “શાહરુખ ખાન કોણ છે? હું ના તેમના વિશે કે ના તેમની ફિલ્મ પઠાન વિશે કંઈ જાણું છું.”
શુક્રવારે ગુવાહાટીમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ ફિલ્મ પઠાનના વિરોધમાં નારંગી થિયેટરમાં તોડફોડ કરી, જ્યાં ફિલ્મનો શો યોજાવાનો હતો. કાર્યકર્તાઓએ ફિલ્મનાં પોસ્ટર ફાડીને બાળી નાખ્યાં.
મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું હતું કે, “ખઆને મને ફોન નથી કર્યો, જોકે બોલીવૂડના ઘણો લોકો સમસ્યા સંદર્ભે આવું કરે છે. જો તેઓ (શાહરુખ ખાન) ફોન કરે તો હું આ મામલાને જોઈશ. જો કાયદા અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરાયું છે તો મામલો દાખલ કરવાની કાર્યવાહી કરાશે.”