રાજસ્થાનના નાગૌર જિલ્લામાં એક અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. ડીડવાના વિસ્તારમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ બસ અને ઈકો કાર વચ્ચે અથડામણને કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકો કારમાં મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટનામાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, દુર્ઘટના શનિવારે સાંજે 6.30 કલાકે ડીડવાના વિસ્તારના બાથી ગામ પાસે થઈ હતી. પબ્લિક ટ્રાન્સપોર્ટની બસ અને ઈકો કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ઈકો કારમાં મુસાફરી કરી રહેલા સાત લોકોના મોત થયા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કારમાં સવાર લોકો એક જ કોલોનીના રહેવાસી હતા. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો.
લોકોની મદદથી પોલીસ ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ. જ્યાં તબીબોએ સાત લોકોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે એક યુવક અને એક બાળકની સારવાર ચાલી રહી છે.