16 ડિસેમ્બર એટલે એ તારીખ છે જ્યારે 49 વર્ષ પહેલા દુનિયાના નકશા પર બાંગ્લાદેશ ના રૂપમાં એક નવા દેશનો જન્મ થયો અને પાકિસ્તાનનો નકશો બદલાય ગયો હતો. આ તે તારીખ છે જે દિવસે પાકિસ્તાનને લગભગ અડધો દેશ ગુમાવ્યા બાદ ભારતીય સેના સમક્ષ ઘૂંટણિયે પડવું પડ્યું હતું.
શુ હતુ યુદ્ધનુ અસલી કારણ
પશ્ચિમ પાકિસ્તાનની દમનકારી નીતિઓને કારણે, પૂર્વ પાકિસ્તાનમાં અસંતોષ વધતો ગયો. શેખ મુજીબુર રહેમાને પૂર્વ પાકિસ્તાનને આઝાદ કરવા માટે શરૂઆતથી જ સંઘર્ષ કર્યો હતો. તેમણે આ માટે 6 સૂત્રીય ફોર્મૂલાત્ર તૈયાર કર્યો જેને કારણે, પાકિસ્તાની સરકાર દ્વારા તેમના પર કેસ ચલાવવામાં આવ્યો. વર્ષ 1970 પાકિસ્તાનની ચૂંટણી પૂર્વ પાકિસ્તાનને મુક્ત દેશ બનાવવામાં મદદરૂપ સાબિત થઈ હતી. મુજીબુર્રહમાનની પાર્ટી પૂર્વી પાકિસ્તાની આવામી લીગને જીત મળી હતી. શેખ . મુજીબુર્રહમાનની પાર્ટીએ પૂર્વ પાકિસ્તાનમાં 169 થી 167 બેઠકો જીતી હતી પરંતુ પશ્ચિમ પાકિસ્તાનના નેતાઓએ આ સ્વીકાર્યું નહીં અને તેઓને કેદ કરવામાં આવ્યા હતા.
દેશની સત્તામાં યોગ્ય પ્રતિનિધિત્વ ન મળવાને કારણે પૂર્વી પાકિસ્તાનમાં વિરોધની અવાજ વધુ બુલંદ થઈ. લોકો રસ્તાઓ પર આંદોલન કરવા લાગ્યા. પાકિસ્તાની સેનાએ આ આંદોલનને ડામવા માટે અનેક નિર્દય અભિયાનો ચલાવ્યા હતા. ખૂન અને બળાત્કારના કેસોમાં દિવસેને દિવસે વધારો થતો જ રહ્યો. આ અત્યાચારથી બચવા માટે મોટી સંખ્યામાં લોકોએ ભારતમાં આશરો લેવાનું શરૂ કર્યું, જેનાથી ભારતમાં શરણાર્થીઓનું સંકટ વધ્યું.
ભારતએ મુક્તવાહિનીની મદદ કરવાનો નિર્ણય કર્યો
ભારત આ બધા અત્યાચાર અને શરણાર્થીઓની વધતી સંખ્યા પ્રત્યે સજાગ હતો. 31 માર્ચ 1971 ના રોજ, ભારતના વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ બંગાળના લોકોને મદદ કરવાની વાત કરી. પશ્ચિમી પાકિસ્તાનના અત્યાચારોનો સામનો કરવા પૂર્વી પાકિસ્તાનમાં મુક્તિ વાહિની સેના બની, જેને ભારતીય સેનાએ સંપૂર્ણ રીતે મદદ પુરી પાડી.
ગુસ્સે ભરાયેલા પાકિસ્તાને 'ઓપરેશન ચંગેઝ ખાન' ના નામથી ભારતના 11 એરબેઝ પર હુમલો કર્યો. આ હુમલા પછી જ 3 ડિસેમ્બરના રોજ ભારત સત્તાવાર રૂપે યુદ્ધનો ભાગ બન્યુ. આ યુદ્ધ 13 દિવસ એટલે કે 16 ડિસેમ્બર સુધી ચાલ્યું. બાંગ્લાદેશ આ દિવસે આઝાદ થયું. ત્યારથી, આ દિવસને ભારતમાં વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
નૌસેનાએ કરાચી પોર્ટ પર કર્યો હુમલો
1971 માં 4-5 ડિસેમ્બરની રાત્રે ભારતીય નૌકાદળ દ્વારા 'ઓપરેશન ટ્રાઇડેંટ' હાથ ધરવામાં આવ્યું. તે સમયે કરાચી બંદર અર્થતંત્રની દ્રષ્ટિએ પાકિસ્તાન માટે ખૂબ મહત્વનું હતું. દિલ્હી સ્થિત ભારતીય નૌકાદળના હેડક્વાર્ટર અને વેસ્ટર્ન નેવલ કમાન્ડે સંયુક્ત રીતે આ કાર્યવાહી હાથ ધરવાની યોજના બનાવી છે. આ ઓપરેશનનો હેતુ કરાચીમાં પાકિસ્તાની નૌકાદળના અડ્ડા પર હુમલો કરવાનો હતો. ભારતીય નૌકાદળના હુમલામાં 4 પાકિસ્તાની જહાજો ડૂબી ગયા હતા અને 500 થી વધુ પાકિસ્તાની નૌસૈનિક માર્યા ગયા હતા.
આ હુમલામાં કરાચી હાર્બર ફ્યુઅલ સ્ટોરેજ પણ સંપૂર્ણ નાશ પામ્યુ હતુ. . આ ઓપરેશન પહેલીવાર હતું જ્યારે એન્ટિ શિપ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હુમલા પછી જ 8-9 ડિસેમ્બર 1971 ના રોજ, ભારતીય નૌસેનાએ 'ઓપરેશન પાઈથન' શરૂ કર્યું. આ સમય દરમિયાન, ભારતીય નૌસેનાએ કરાચી બંદરો પર રહેલા વહાણો પર હુમલો કર્યો. આ દરમિયાન એક પણ ભારતીય જહાજને નુકસાન થયું નહોતુ. . આ ઓપરેશનની સફળતા પછીથી દર વર્ષે 4 ડિસેમ્બરને ભારતમાં નેવી ડે તરીકે ઉજવવામાં આવે છે.
ભારતીય સેનાએ આપ્યો કરારો જવઆબ
પાકિસ્તાની કાર્યવાહીના જવાબમાં ભારતે તેના 15 હજાર કિલોમીટરથી વધુના ક્ષેત્ર પર કબજો કર્યો હતો. યુદ્ધનો અંત ત્યારે આવ્યો જ્યારે પાકિસ્તાની સશસ્ત્ર દળના તત્કાલીન વડા જનરલ આમિર અબ્દુલ્લા ખાન નિયાઝીએ તેના 93,000 સૈનિકો સાથે ભારતીય સૈન્ય સામે આત્મસમર્પણ કર્યું.
જોકે, ભારતે 1972 માં પાકિસ્તાન સાથે સિમલા કરાર કર્યો હતો. આ કરાર હેઠળ ભારતે વેસ્ટર્ન મોરચા પર જીતેલી જમીન પરત કરી હતી અને પાકિસ્તાની યુદ્ધબંદીઓને પણ છોડી દીધા હતા. બાંગ્લાદેશ પાકિસ્તાનની પકડમાંથી મુક્ત થયું અને તેમની જમીન પરથી ભારતીય સેના પાછી ફરી.