પરીક્ષા પે ચર્ચાની Pariksha Pe Charcha પાંચમી આવૃતિમાં ગુજરાતના 55 લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આગામી 1 એપ્રિલે નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમથી વિશ્વભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ હેઠળ વાર્તાલાપ કરશે. આ કાર્યક્રમ અંગે માહિતી આપવા પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોની અમદાવાદ કચેરી દ્વારા ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંગે ગુજરાતની તૈયારીઓ વિશે માહિતી આપતા ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે પ્રધાનમંત્રીનો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને કારકિર્દી આગળ વધારવામાં ખૂબજ મહત્વપૂર્ણ રહેશે.
જીતુભાઈ વાઘાણીએ પરીક્ષા પે ચર્ચામાં રાજ્યના વધુને વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો જોડાય એવી અપીલ કરી હતી. તેમણે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતની 40,805 શાળાઓના 5586748 લાખ વિદ્યાર્થીઓ ઉપરાંત અઢી લાખ શિક્ષકો આ કાર્યક્રમમાં જોડાશે. 349 સ્થળોએ મોટા સ્ક્રિન, એલઈડી મૂકીને આ કાર્યક્રમમાં જોડાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમ નિહાળી શકાય તે માટે સરકાર દ્વારા શાળાઓને અને જ્યાં વધુ લોકો હોય ત્યાં એલઈડી કે પ્રોજેક્ટર્સની વ્યવસ્થા કરવામાં આવી છે.
જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે પહેલી એપ્રિલે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાનારો આ કાર્યક્મ સવારે 10 વાગે શરૂ થશે અને પ્રધાનમંત્રીશ્રી 11 વાગે આવશે. આ કાર્યક્રમને લઈને રાજ્ય સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ વખતે ધોરણ 6થી 9 અને 11ના વિદ્યાર્થીઓને પણ આવરી લેવામાં આવ્યા છે.
જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો લાભ વધુને વધુ વિદ્યાર્થીઓ લઈ શકે એ માટે રાજ્ય સરકારે ધો. 6થી 9 અને ધો. 11ના વિદ્યાર્થીઓને પણ તેમાં જોડવા માટે રજૂઆત કરી હતી. જેને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ઘર્મેન્દ્ર પ્રધાને મંજૂર રાખતા હવે આ કાર્યક્રમમાં દરેક માધ્યમ, દરેક બોર્ડના 6થી 9 અને 11મા ધોરણના સ્ટુડન્ટ્સ પણ જોડાશે. જ્યારે ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલતી હોઈ આ ધોરણના વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા નથી.
10-12ના બોર્ડના વિદ્યાર્થીઓ આ કાર્યક્મમાં પરીક્ષા ચાલતી હોઈ હાલ ભલે ન જોડાઈ શકે પરંતુ તેમના વાલીઓ આ કાર્યક્રમ જોઈને એમાંથી પ્રેરણા લઈ શકે છે. પરીક્ષાને લીધે કાર્યક્રમ ગુમાવનારાઓ આને પરીક્ષા બાદ પણ નમો એપ કે તેની વેબસાઈટ, રાજ્ય સરકારની વેબસાઈટ પર પોતાની અનુકૂળતાએ નિહાળી શકે છે એમ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું આજની વ્યવસ્થાઓને સમજીને વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રીનો સીધો સંવાદ ઇતિહાસમાં પ્રથમ વખત ભારતમાં હાથ ધરાયો છે. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે.
જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે વસતીની દ્રષ્ટીએ સરખામણી કરીએ તો રજિસ્ટ્રેશન થયું ત્યારે પણ સૌથી વધારે રજિસ્ટ્રેશન સાથે ગુજરાત નંબર વન હતું. શ્રી નરેન્દ્રભાઈના રાજ્યમાં મુખ્યમંત્રી પદે આવ્યા બાદ શિક્ષણ પ્રત્યેની જાગૃતિ વધી અને શિક્ષણનું વાતાવરણ વધ્યું છે. તમામ જુદી-જુદી ચેનલ્સ, યુટ્યુબ, દૂરદર્શન પર આ કાર્યક્રમ પ્રસારિત થશે.
પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોના એડિશનલ ડાયરેક્ટર જનરલ ડૉ. ધીરજ કાકડિયાએ જણાવ્યું કે પરીક્ષા પે ચર્ચાની આગલી ચાર કડીઓ વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત પરીક્ષાઓ સુનિશ્ચિત કરવામાં સફળ નીવડી છે. ડૉ. કાકડિયાએ બને એટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકો આ વાર્તાલાપનો લાભ લે એ માટે બહોળો પ્રચાર કરવા મીડિયાનું સમર્થન માગ્યું હતું.
"પરીક્ષા પે ચર્ચા 1.0" ની પ્રથમ આવૃત્તિ 16 ફેબ્રુઆરી, 2018ના રોજ, બીજી આવૃત્તિ 29 જાન્યુઆરી, 2019 અને ત્રીજી આવૃત્તિ 20 જાન્યુઆરી, 2020ના રોજ યોજાઈ હતી. COVID 19 રોગચાળાને કારણે, ચોથી આવૃત્તિ 7 એપ્રિલ, 2021ના રોજ ઓનલાઈન યોજાઈ હતી.