દિલ્હીમાં રોહિણીના પ્રશાંત વિહાર વિસ્તારમાં CRPF સ્કૂલ પાસે રવિવારે સવારે જોરદાર વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટથી પ્રશાંત વિહારમાં ખળભળાટ મચી ગયો હતો. દિલ્હી પોલીસ, NSG સહિત અનેક તપાસ એજન્સીઓએ કેસની તપાસ શરૂ કરી. કહેવામાં આવી રહ્યું છે કે તપાસ એજન્સીઓને બ્લાસ્ટ સ્થળ પર સફેદ પાવડર મળ્યો છે. તેની ચકાસણી કરવામાં આવી રહી છે
અધિકારીઓએ જણાવ્યું કે વિસ્ફોટ રોહિણીના સેક્ટર-14માં સીઆરપીએફ સ્કૂલ પાસે સવારે લગભગ 7.50 વાગ્યે થયો હતો, ત્યારબાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને પોલીસની ફોરેન્સિક ટીમ વિસ્ફોટનું કારણ જાણવા માટે સ્થળ પર પહોંચી હતી. ડોગ સ્કવોડે પણ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. થોડા સમય બાદ એનએસજીની ટીમ પણ વિસ્ફોટના સ્થળે પહોંચી અને સમગ્ર સ્થળનો કબજો મેળવી લીધો.
વિસ્ફોટમાં શાળાની દિવાલ, નજીકની દુકાનો અને એક કારને નુકસાન થયું હતું. ઘટનાસ્થળે ધુમાડાના વાદળો ઉછળતા જોવા મળ્યા હતા. વિસ્ફોટ બાદનો એક કથિત વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.