ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેક પર બનેલા પુલ પર શનિવારે મોડીરાત્રે અજાણ લોકોએ બ્લાસ્ટ કરી નાખ્યો. તેનાથી પાટા પર ક્રેક આવી ગયો. સ્થળે દારૂગોળો પણ મળ્યો છે. બદમાશોએ પુલને ઉડાવી દેવા અને રેલવે ટ્રેકને તોડી પાડવાની યોજના બનાવી હતી. ધમાકાના ચાર કલાક પહેલા જ આ ટ્રેકથી ટ્રેન પસાર થઈ હતી. ઘટના પછી અમદાવાદથી ઉદેપુર જતી ટ્રેનને ડુંગરપુર ખાતે રોકી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબરે જ આ લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું.
13 દિવસ પહેલા શરૂ થયેલી ઉદેપુર-અમદાવાદ રેલવે લાઇનને બ્લાસ્ટ કરીને ઉખેડી નાખવાનું મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબરે જ આ લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું.
ઘણી જગ્યાએ રેલ્વે લાઇન તૂટી ગઈ છે, ટ્રેકને નુકસાન થયું છે. બ્રિજ પરની લાઇનમાંથી નટ-બોલ્ટ પણ ગાયબ જોવા મળ્યા છે.જિલ્લા કલેક્ટર તારાચંદ મીણાએ કહ્યું- ડેટોનેટર વડે પુલને ઉડાવી દેવાનું ષડયંત્ર સામે આવ્યું છે. ઉદયપુરના એસપી વિકાસ શર્માએ કહ્યું કે શરૂઆતમાં એવું લાગે છે કે સંપૂર્ણ પ્લાનિંગ બાદ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. ડિટોનેટર સુપર 90 શ્રેણીનું છે. બોમ્બ સ્કવોડ અને ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પહોંચીને પુરાવા એકત્ર કર્યા છે. રાજસ્થાન પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.