ભારતમાં વધુ એક વાવાઝોડાનો ખતરો, બંગાળની ખાડીમાં પ્રેશર બન્યું

Webdunia
શનિવાર, 25 સપ્ટેમ્બર 2021 (16:41 IST)
દેશનાં પૂર્વ ભાગમાં વધુ એક વાવાઝોડાને લઈને અલર્ટ આપવામાં આવ્યું છે. વાવાઝોડાનાં કારણે પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશમાં હાઇ અલર્ટ આપી દેવામાં આવ્યું છે, આ સાથે જ ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં જે નવા વાવાઝોડાનો ખતરો છે તે ગુલાબ વાવાઝોડામાં ફેરવાઇ શકે છે અને જૉ આ પ્રેશર વાવાઝોડામાં ફેરવાય તો સીધું જ ઓડિશા અને આંધ્ર પ્રદેશ તરફ આગળ વધી શકે છે. 

ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે ચક્રવાતની ચેતવણી રજુ કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર-પૂર્વ અને નજીકના પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં ડિપ્રેશન વધુ ઉંડું થયું છે, જે ચક્રવાતી તોફાન 'સાયક્લોન રોઝ'માં વધુ તીવ્ર બની શકે છે. તે દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશ તરફ પણ આગળ વધી શકે છે.
 
આખા બંગાળમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આંધ્ર પ્રદેશ, ઓડિશા અને બંગાળનાં દરિયા કિનારા વિસ્તારમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.   હવામાન વિભાગના મતે રવિવારે હળવો વરસાદ વરસી શકે છે. સોમવારે દક્ષિણ બંગાળમાં ભારે વરસાદની સંભાવના છે. તોફાનની સૌથી વધુ અસર ઉત્તર અને દક્ષિણ 24 પરગના, ઝાડગ્રામની સાથે પૂર્વ અને પશ્વિમ મિદનાપુર જિલ્લામાં થશે.
 
 આ સાથે જ બંગાળની ખાડીમાં વધુ એક ડિપ્રેશન તૈયાર થવાની સંભાવના છે જે બંગાળ અને બાંગ્લાદેશના દરિયા કિનારાના વિસ્તારોને પ્રભાવિત કરશે. તેને પગલે મંગળવારે ભારે વરસાદ વરસી શકે છે. કોલકત્તા સહિત દક્ષિણ બંગાળના અનેક જિલ્લાઓમાં ભારે અને અતિ ભારે વરસાદ વરસી શકે છે 

આઈએમડીએ જણાવ્યું હતું કે, "આગામી 12 કલાકમાં તે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની સંભાવના છે. તે પશ્ચિમ તરફ આગળ વધવાની અને 26 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં કલિંગપટ્ટનમની આસપાસ વિશાખાપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠાને પાર કરવાની સંભાવના છે

સંબંધિત સમાચાર

Next Article