મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને મહાવિકાસ આઘાડીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને NCP (SP)ના વડા શરદ પવારે એક કાર્યક્રમ દરમિયાન MVA મેનિફેસ્ટો બહાર પાડ્યો. આ ઘોષણાપત્રમાં, મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીએ મતદારોને આકર્ષવા માટે ઘણા ચૂંટણી વચનો આપ્યા છે, જેમાં મહિલાઓ, ખેડૂતો અને યુવાનો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
મેનિફેસ્ટોમાં શું છે વચનો?
ઢંઢેરામાં કહેવામાં આવ્યું છે કે લોકોને 25 લાખ રૂપિયાનો હેલ્થ ઈન્સ્યોરન્સ, મહિલાઓને 3000 રૂપિયા પ્રતિ માસ અને સમાનતાની ગેરંટી, જાતિની વસ્તી ગણતરી કરવામાં આવશે અને 50 ટકા અનામત હટાવીને તેમાં વધારો કરવામાં આવશે. ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન માફી આપવામાં આવશે અને નિયમિત લોનની ચુકવણી પર 50,000 રૂપિયાની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. યુવાનોને દર મહિને 4,000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે.
ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી ગઠબંધન સરકાર હેઠળ દર મહિને ત્રણ હજાર મહિલાઓના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. રાજ્ય પરિવહનમાં મહિલાઓને મફત બસ સેવા આપવામાં આવશે. દેશમાં અમારી સરકાર બનતાની સાથે જ અમે પચાસ ટકા અનામતની મર્યાદા તોડી નાખીશું. મહારાષ્ટ્રમાં પણ સરકાર બનશે અને અમે જાતિની વસ્તી ગણતરી કરીશું. રાહુલ ગાંધીએ કહ્યું કે હું ખાતરી આપું છું કે બંધારણને કોઈ નષ્ટ કરી શકે નહીં.