ગઈકાલની બેઠકનું સમાધાન મંજૂર નથી, ટીકિટ રદ કરવી હોય તો બેઠક કરીએઃ પદ્મિનીબા

Webdunia
શનિવાર, 30 માર્ચ 2024 (18:05 IST)
Settlement of Purushottam Rupala seat not allowed
 લોકસભા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. શુક્રવારે ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્યો, સંસદસભ્યો તેમજ ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનો તથા નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી, આ વિવાદ અહીં પૂર્ણ થઈ રહ્યો છે એવું એલાન જયરાજસિંહ સહિતના આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. જોકે રાજપૂત મહિલા કરણીસેનાનાં અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે સમાજની એક જ માગ છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી અન્ય કોઈપણને ટિકિટ આપવામાં આવે. જયરાજસિંહ પડકાર કરે છે તો હું પણ પડકાર કરું છું, અમે મળવા તૈયાર છીએ, પરંતુ જો ટિકિટ રદ કરવાની વાત થાય તો જ મળવા તૈયાર છીએ. 
 
રાજકારણ સમાજમાં પણ ફાંટા પડાવી રહ્યું છે 
પદ્મિનીબા વાળાએ વધુમાં જણાવ્યું હતું કે ગઈકાલે મળેલી બેઠકમાં માત્ર ભાજપના રાજકીય નેતાઓ ઉપસ્થિત હતા. સમાજ ઉપસ્થિત નહોતો. સમાજના લોકો સાથે મળી સમાધાન માટે વાત કરવાની હોય, ભાજપના નેતાઓ સાથે નહીં. ગઈકાલની બેઠકનું સમાધાન અમને મંજૂર નથી. અમારી એક જ માગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને તેમના બદલે અન્ય કોઈપણને ટિકિટ આપવામાં આવે, અમે તેમના પ્રચારમાં જોડાઈશું. પુરુષોત્તમ રૂપાલાનો પણ પ્રચાર મેં પોતે ઘરે ઘરે જઈને કર્યો છે, પણ સમાજની બહેન-દીકરીઓ વિશે જે ટિપ્પણી કરી એ યોગ્ય નથી. જયરાજસિંહ જાડેજા એ મારા ભાઈ છે, પરંતુ આ રાજકારણ સમાજમાં પણ ફાંટા પડાવી રહ્યું છે એ વાતનું અમને દુઃખ છે. 
 
કોઈપણ સમાજ વિશે બફાટ કરશે તો આપણા સમાજનું શું માન રહેશે.
જયરાજસિંહે પડકાર કર્યો છે તો હું પણ પડકાર કરું છું, હું પણ મળી બેસીને ચર્ચા કરવા તૈયાર છું, પરંતુ મારી શરત એક જ છે કે ચર્ચા થશે તો માત્ર ને માત્ર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ દૂર કરવા માટે. ગઈકાલે અમને મળવા બોલાવ્યા હોત તો અમે પણ આવી જાત અને અમે પણ ચર્ચા કરત. ગઈકાલની બેઠક બાદ જયરાજસિંહનું માન ઘવાયું છે. આવી રીતે આવી કોઈપણ સમાજ વિશે બફાટ કરશે તો બધાને માફ કરતા રહીશું તો આપણા સમાજનું શું માન રહેશે. આપણી બહેન-દીકરીઓ વિશે બોલ્યા છે, આ સાંખી ન લેવાય. આમાં માફી નહીં, સજા જ હોવી જોઈએ અને સજામાં તેમની ટિકિટ રદ થાય એ જ અમારી માગ છે.પદ્મિનીબા રાજ શક્તિ મહિલા મંડળ રાજકોટનાં 10 વર્ષથી અધ્યક્ષ છે તેમજ ગુજરાત રાજપૂત મહિલા કરણીસેનાના અધ્યક્ષ તરીકે છેલ્લાં 5 વર્ષથી ફરજ બજાવી રહ્યાં છે.

સંબંધિત સમાચાર

Next Article