પાકિસ્તાનના કરાચીમાં શુક્રવારે રમઝાન નિમિત્તે આયોજિત એક ખાદ્ય વિતરણ કેન્દ્રમાં થયેલી ભાગદોડમાં મહિલાઓ અને બાળકો સહિત 12 લોકોનાં મૃત્યુ થયાં છે. આ ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.
આ ભાગદોડની શરૂઆત ત્યારે થઈ, જ્યારે કેટલાક લોકોએ અજાણતામાં વીજળીના તાર પર પગ મૂકી દીધો.પોલીસ પ્રમાણે, ત્યાર પછી ધક્કામુક્કી શરૂ થઈ. જેના લીધે ઘણા લોકો પાસે આવેલા નાળામાં પડ્યાં.
ત્યાંના એસએસપી અમીરુલ્લાહે ભારતીય સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું, "શરુઆતમાં વીજળીના તાર પર પગ મૂકવાથી બે લોકોનાં મૃત્યુ થયાં, જેના કારણે ભાગદોડ મચી."
કિમારી પોલીસના એક પ્રવક્તાએ શરૂઆતમાં જણાવ્યું હતું કે ઘટનામાં કુલ 11 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયાં છે.
તેમના અનુસાર, ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ઘટના સંદર્ભે તપાસ ચાલી રહી છે.
સિંધ પ્રાંતના મુખ્ય મંત્રી મુરાદઅલી શાહે આ ઘટના વિશે કરાચી પોલીસ આયુક્ત મોહમ્મદ ઇકબાલ મેમણ પાસે રિપોર્ટ માગ્યો છે.
થોડા દિવસો પહેલાં જ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સરકારી રૅશન વિતરણ કેન્દ્રમાં મફત લોટ લેવા આવેલા 11 જેટલા લોકોનાં મૃત્યુ થયાં હતાં.