શું ગર્ભનિરોધક ગોળીઓ વ્યંધત્વનું કારણ બની શકે છે?

ડૉ હૃષીકેશ પાઈ
સોમવાર, 8 મે 2023 (17:11 IST)
આજકાલના પરણેલા દંપતિઓ વધુ સારી રીતે આયોજનબદ્ધ હોય એવાં જીવન જીવવાનો ધ્યેય ધરાવતા હોય છે. વ્યાવસાયિક તથા સામાજિક સ્થિરતા સાથે પોતાના બાળકોના અમૂલ્ય ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવવાનો આશય આની પાછળ હોય છે. પરિવાર નિયોજન શબ્દનો અર્થ જ થાય છે કે, સમાન્ય અને નૈસર્ગિક-કુદરતી ઘટનાક્રમમાં તમારા ગાયનેકૉલૉજિસ્ટની તબીબી સલાહથી કરવામાં આવતો ફેરફાર.
 
ગર્ભાવસ્થાને મોડી કરવા માટે સામાન્યપણે વિવિધ સારવાર વિકલ્પો અપનાવવાની સલાહ આપવામાં આવે છે, જેમ કેઃ
કૉન્ડોમ્સ                                                      
ગર્ભનિરોધક પ્રત્યારોપણ
જન્મ નિયંત્રણ ગોળીઓ 
જન્મ નિયંત્રણ માટેના ઈન્જેક્શન અને અન્ય.
 
કૉન્ડોમ્સ કેવી રીતે કામ કરે છે, એ આપણે બધા જાણીએ છીએ, સાથે જ જન્મ નિયંત્રણની અન્ય પદ્ધતિઓ વિશેની માહિતી મેળવવી પણ જરૂરી છે.
 
મહિલાઓમાં ગર્ભાવસ્થા મુખ્યત્વે બે હૉર્મોન્સથી નિયંત્રિત થાય છે, એક છે પ્રોજેસ્ટિન અને બીજું છે અસ્ટ્રોજેન. લોહીમાં આ હૉર્મોન્સની હાજરી ફોલિકલ- સ્ટિમ્યુલેટિંગ હૉર્મોન (એફએસએચ) અને લ્યુટિનાઈઝિંગ હૉર્મોન (એલએચ)ના સ્રાવને નિયંત્રિત કરે છે. એલએચ અને એફએસએચ સગર્ભાવસ્થાની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે ગર્ભાવસ્થા માટે ઈંડાં અને ગર્ભાશયનું અસ્તર વિકસાવે છે.
 
ગર્ભનિરોધક પ્રત્યારોપણઃ પ્રોજેસ્ટેરોન ઈમ્પ્લાન્ટનું પ્રત્યારોપણ મહિલાના બાવડામાં કરવામાં આવે છે. આ ઈમ્પ્લાન્ટ જ્યારે લોહીમાં પ્રોજેસ્ટિન થોડા પ્રમાણમાં છોડવાનું શરૂ કરે છે, ત્યારે તે પિચ્યુઈટરી ગ્લાન્ડ (કફનું ઉત્પાદન કરતી ગ્રંથિ) દ્વારા છોડવામાં આવતા એલએચ અને એફએસએચ હૉર્મોન્સને નિયંત્રિત કરે છે, આમ ઑવ્યુલેશન થતું રોકે છે અને અને ગર્ભાશયના મુખ (સર્વાઈકલ)ની લાળને જાડી કરે છે. ગર્ભાશયના મુખની લાળ જાડી થાય છે ત્યારે વીર્યનું પ્રવેશવું મુશ્કેલ બને છે.
 
અન્ય ઈમ્પ્લાન્ટ્સ છે આઈયુડી (ઈન્ટ્રાયુટેરિયન ડિવાઈસ) એટલે કે ગર્ભાશયની અંદરના ઉપકરણો. અંગ્રેજી મૂળાક્ષર ટી-આકારનું નાનું તાંબાનું અથવા લીવોનોગેસ્ટ્રલથી (હૉર્મન્સ સંબંધી) બનેલું ઈમ્પ્લાન્ટ ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે. જન્મ નિયંત્રણ કરવાની આ પદ્ધતિઓનો સફળતા દર સારો-ઊંચો છે, પણ તેનાથી જાતીય સંસર્ગથી લાગતા ચેપથી સામે કોઈ સંરક્ષણ મળતું નથી.
 
ઉપર જણાવેલા બંને સારવારના વિકલ્પો આસાનીથી ઉલટાવી શકાય એવા છે.
 
જન્મ નિયંત્રણ ગોળીઓઃ આપણું શરીર જટિલ રચના ધરાવે છે, જે જ્ઞાનતંતુઓથી પ્રેરિત, હાડકાંના માળખાનું, હૃદય દ્વારા સંચાલિત અને હૉર્મોન્સથી નિયમન પામે છે. એસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટિન નામના આવા જ બે હૉર્મોન્સથી સ્ત્રીઓ ગર્ભવતી થાય છે. જન્મ નિયંત્રણ ગોળીઓ અથવા તો સામાન્યપણે ઑરલ કૉન્ટ્રાસૅપ્ટિવ પીલ્સ (ઓસીપી) – મૌખિક રીતે લેવાની ગર્ભનિરોધક ગોળીઓ, ઉપર જણાવેલા બે હૉર્મોન્સના સંયોજનની પૂર્વનિર્ધારિત માત્રા અથવા તો માત્ર પ્રોજેસ્ટિન ધરાવતી ગોળીઓ હોય છે.
 
આ ગોળીઓ લેવામાં આવે ત્યારે, પિચ્યુઈટરી ગ્રંથિઓ ફોલિકલ-સ્ટિમ્યુલેટિંગ હૉર્મોન્સ અને લ્યુટિવાઈઝિંગ હૉર્મોનને (ગર્ભાશયની – અને ઈંડાંને વિકસાવવા માટે આ બંને જવાબદાર હોય છે) મુક્ત કરવામાં અક્ષમ બને છે. પ્રોજેસ્ટિન ઈંડાને ગર્ભાશયની લાળથી આવરી લે છે, જેને ભેદી ને વીર્ય અંદર પ્રવેશી નથી શકતું. પ્રોજેસ્ટિન ઈંડાંને બહાર આવતાં પણ રોકી શકે છે.
 
જન્મ નિયંત્રણ કરતી ગોળીઓનો ઉપયોગ ગર્ભાવસ્થાને આગળ ઠેલવા માટે થાય છે, સાથે જ આઈવીએફ માટે સ્ત્રીના શરીરને તૈયાર કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે.
 
જન્મ નિયંત્રણ પદ્ધતિઓ માટે ઈન્જેક્શનઃ
આ પણ, કાં તો કૃત્રિમ રીતે બનાવવામાં આવેલા એસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટોજેનનું સંયોજન હોય છે અથવા માત્ર પ્રોજેસ્ટોજેન હોય છે. દર મહિને, બે મહિને અથવા તો દર ત્રણ મહિને તે ઈન્જેક્શન દ્વારા આપવામાં આવે છે, આનો આધાર સંરક્ષણ આપવાના તેમના સમયગાળા પર રહે છે.
 
અનેક સ્ત્રીઓનું માનવું છે કે, જન્મ નિયંત્રણની આ પદ્ધતિઓ વંધ્યત્વનું કારણ બને છે.
 
શું જન્મ નિયંત્રણ ગોળીઓ વંધ્યત્વનું કારણ બની શકે છે
બહુ લાંબા સમય સુધી કોઈ મહિલા જન્મ નિયંત્રણ ગોળીઓ પર આધાર રાખે તો, તેની અસરને ઉલ્ટાવવા માટે સમય લાગી શકે છે. તમે આ ગોળી લેવાનું બંધ કરો એ પછી માસિકસ્રાવનું ચક્ર નિયમિત થવામાં ત્રણથી છ મહિના જેટલો સમય લાગી શકે છે. આનો આધાર દવાને પ્રતિસાદ આપવાની વ્યક્તિની ક્ષમતા પર રહે છે. માસિકસ્રાવનું ચક્ર નિયમિત થવાની પ્રક્રિયામાં હોય ત્યારની મહિલાની વય આમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
 
આ સમયગાળમાં કોઈ ને માસિકસ્રાવ દરમિયાન બહુ મોટા પ્રમાણમાં લોહીનો પ્રવાહ જોવા મળે છે, તો કોઈકને નોંધપાત્રપણે ઓછો રક્તસ્રાવ થઈ શકે છે અથવા તો રક્તસ્રાવ સદંતર ન થાય એવું પણ બને છે. માસિકરસ્રાવની આ અનિયમિતતા જો કે હંગામી હોય છે. આથી, ગર્ભધારણ કરવામાં પડતી મુશ્કેલી પણ થોડા સમય પૂરતી હોય છે, કાયમી હોતી નથી. આમ છતાં, છૂટાછવાયા કેસમાં, વંધ્યત્વ કાયમી હોય છે, જેનું કારણ પહેલેથી જ અસ્તિત્વમાં હોય એવી કોઈ સ્થિતિ પણ હોઈ શકે છે. આથી, કોઈપણ પ્રકારના જન્મ નિયંત્રણની પસંદગી કરતા પહેલા ગાયનેકૉલૉજિસ્ટની સલાહ લેવી જરૂરી છે.
 
માસિકસ્રાવના ચક્રના નિયમિત થવાનો આધાર તમારી વય કેટલી છે અને તમે કેટલા સમયથી ઓસીપીનો ઉપયોગ કરી રહ્યાં છો તેના પર હોય છે. તમે જો 35 વર્ષથી વધુ વયનાં હો અને બહુ લાંબા સમયથી આ ગોળીઓ લેતાં હો તો, તેની અસર ઉલ્ટાવવા માટેની શક્યતાનો સમય લાંબો હોઈ શકે છે. દંપત્તિએ ઓછામાં ઓછા એક વર્ષ સુધી કુદરતી રીતે ગર્ભાધાન માટે પ્રયાસ કરવો જોઈએ. જો કે, એ પછી પણ સમસ્યા જોવા મળે તો, આ સમસ્યા ઉક્લવામાં નિષ્ણાતની સલાહ તમારી મદદ કરી શકે છે.
 
નિષ્કર્ષ - જ્યારે મનુષ્યના શરીરની નૈસર્ગિક-કુદરતી કામગીરીમાં કોઈક રીતે ફેરફાર કરવામાં આવે છે, ત્યારે તેને ફરીથી સામાન્ય રીતે કામ કરવા પર પાછા ફરવામાં સમય લાગે છે. જન્મ નિયંત્રણ ગોળીઓ વંધ્યત્વનું કારણ બને છે એ સાબિત કરવા માટે કોઈ પુરાવાઓ સામે આવ્યા નથી.
 
આમ છતાં, કેટલાક અતિ વિરલ કિસ્સાઓમાં સમસ્યા સર્જાઈ શકે છે. જો કે, આઈવીએફ, આઈયુઆઈ તથા અન્ય પ્રક્રિયાઓ તમને ગર્ભવતી બનાવામાં અને ફળદ્રુપ થવામાં મદદરૂપ થઈ શકે છે.

સંબંધિત સમાચાર

Next Article