આ વર્ષે કોરોનાના કારણે તહેવારોની સિઝન મંદી પડી ગઇ છે. એમાં પણ ખાસકરીને ગુજરાતના સૌથી મોટા તહેવાર ગણાતા નવરાત્રિ પર્વની ઉજવણી ન કરવામાં આવતાં લાખો લોકોના ધંધા તળિયે બેસી ગયા છે. કોરોનાકાળમાં સરકાર દ્વારા મોટા આયોજનો પર પ્રતિબંધ છે અને તેમજ માત્ર આરતીની છૂટ આપવામાં આપવામાં આવી છે ત્યારે નવરાત્રિને પર્વ સાથે જોડાયેલા લોકો જેમકે કોસ્ચ્યુમ, ફૂડ, સંગીતકારો, સીંગરો સહિત દાંડીયા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે.
આ વર્ષે નવરાત્રીમાં ગરબાના જાહેર કાર્યક્રમોના આયોજન પર પ્રતિબંધ હોવાથી બજારમાં દાંડિયા વેચાણ થવાનું નથી. જેની સીધી અસર ડાંડીયાનું ઉત્પાદન કરનારાઓ પર વધારે પડી છે, કારણ કે સમગ્ર વિશ્વમાં દાંડિયા ઉત્પાદનનું હબ ગોધરાને ગણવામાં આવે છે. ગોધરામાં આવેલા 200 થી વધુ કારખાનામાં મુસ્લિમ પરિવારો આજ વ્યવસાય પર નિર્ભર છે. જે હવે બેકારી ના ખપ્પરમાં હોમાઈ જવાની તૈયારીમાં છે.
નવરાત્રી દરમ્યાન રાસ રમવા માટે વાપરવામાં આવતા દાંડિયા ગોધરામાં બનાવવામાં આવે છે. ગોધરા શહેર દાંડિયા ઉત્પાદનનું હબ છે. સમગ્ર ભારત અને વિશ્વમાં અહીંથી જ વિવિધ આકાર અને પ્રકાર તથા રંગબેરંગી દાંડિયા સપ્લાય કરવામાં આવે છે. એમાં સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ગોધરાના દાંડિયા કોમી એખલાસ અને ભાઈચારાનું પણ પ્રતીક છે. ગોધરા માં બનતા દાંડિયા ગોધરાના જ મુસ્લિમ પરિવારો દ્વારા વર્ષોથી હોંશે હોંશે બનાવવામાં આવે છે. નવરાત્રી આ મુસ્લિમ પરિવારો મટે તો ઈદના તહેવાર સમાન છે અને તેથી જ તો આ દાંડિયા ઉત્પાદકો દ્વારા વર્ષમાં બે વખત નવરાત્રી ઉજવાય તેવો ઉત્સાહ વ્યક્ત કરાઈ રહ્યો છે.
દર વર્ષે લાખોની સંખ્યામાં નવરાત્રી પર્વના આગમન પૂર્વે પાંચથી છ માસ અગાઉ દાંડિયાનું ઉત્પાદન શરૂ થઇ જતું હોય છે. ભારતના અલગ અલગ રાજ્યો સહીત અમેરિકા,યુરોપ,યુ.એ.ઈ.સહીત વિશ્વ ના અનેક દેશો માં દાંડિયા ગોધરાથી જ પહોંચાડતા હોય છે.
ગોધરામાં બનાવવામાં દાંડિયાના વ્યવસાય સાથે 200થી વધુ મુસ્લિમ પરિવાર જોડાયેલા છે. જેમના થકી હજારો કારીગરોને રોજગારી મળે છે. દર વર્ષની જેમ આ વખતે પણ દાંડિયા બનાવવાની શરૂઆત તો ફેબ્રુઆરી મહિનાના અંતથી થઇ ચુકી હતી. અચાનક માર્ચ મહિનામાં લોકડાઉન થતા દાંડિયા બનાવતા કારખાના પણ બંધ કરવાનો વારો. જેને કારણે આ વ્યવસાય સાથે સંક્ળાયેલ દાંડિયા બનાવતા 200 થી વધૂ કારખાનાના માલિકો અને તેમાં કામ કરતા 500 થી વધુ પરિવાર બેકારીમાં ધકેલાય ગયા છે. ત્યારે દેશ વિદેશમાં દાંડિયા થકી ધૂમ મચાવનાર ગોધરાના દાંડિયાના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની માંગ છે સરકાર દ્વારા કોઇ વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવે.