કેન્દ્ર સરકારે એપ-આધારિત કેબ સેવાઓ ઓલા, ઉબેર, ઇનડ્રાઇવ અથવા રેપિડોના ભાડા અંગે નોંધપાત્ર ફેરફારો કર્યા છે, જેના કારણે મુસાફરોને હવે પીક અવર્સ દરમિયાન પોતાના ખિસ્સા ઢીલા કરવા પડશે. માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા જારી કરાયેલી નવી માર્ગદર્શિકા અનુસાર, કેબ એગ્રીગેટર્સ હવે પીક સમય દરમિયાન બેઝ ભાડાથી બમણું સુધી વસૂલ કરી શકશે, જે અગાઉ 1.5 ગણું મર્યાદિત હતું.
નવા નિયમોને કારણે મુસાફરો અને ડ્રાઇવરો પર અસર
આ નવી માર્ગદર્શિકા મુસાફરો અને કેબ ડ્રાઇવરો બંને પર સીધી અસર કરશે. પીક અવર્સ દરમિયાન સવારી મોંઘી થશે, પરંતુ નોન-પીક અવર્સ માટે લઘુત્તમ ભાડું બેઝ ભાડાના 50% નક્કી કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આગામી ત્રણ મહિનામાં આ નિયમો લાગુ કરવા નિર્દેશ આપ્યો છે.
કેન્દ્રની નવી માર્ગદર્શિકાના મુખ્ય મુદ્દાઓ:
પીક અવર્સ દરમિયાન ડબલ ભાડું: એગ્રીગેટર્સ હવે બેઝ ભાડાના 200% સુધી વસૂલ કરી શકે છે.
રાઈડ રદ કરવા બદલ દંડ: જો ડ્રાઈવર કે મુસાફર કોઈ માન્ય કારણ વગર રાઈડ રદ કરે છે, તો તેમને કુલ ભાડાના 10% (મહત્તમ ₹100) દંડ કરવામાં આવશે. આ રકમ ડ્રાઈવર અને કંપની વચ્ચે વહેંચવામાં આવશે.