હવે લોકો કેશલેસ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને વધુ મહત્વ આપી રહ્યાં છે. બીજી તરફ સક્રિય થયેલા સાયબર ગઠિયાઓ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા છે. આ સાયબર ગઠિયાઓ સામે પોલીસનો પનો હવે ટુંકો પડી રહ્યો છે. અમદાવાદમાં એક જ દિવસમાં 10થી વધુ લોકો સાયબર ક્રાઈમનો ભોગ બન્યાં છે. જેની ફરિયાદો નોંધીને પોલીસે તપાસ આદરી છે. જો કે આરોપીઓ પકડાશે અથવા તો લોકોના લૂંટાયેલા રૂપિયા પરત આવશે કે નહીં એ તો હવે સમયજ બતાવશે.
સેટેલાઈટમાં લકી ડ્રોના નામે ઠગાઈ
અમદાવાદમાં સેટેલાઈટ વિસ્તારમાં રહેતાં હર્ષ શાહ પર ફોન આવ્યો હતો અને સામેથી કહેવાયું હતું કે, એમેઝોન કંપનીના લકી ડ્રોમાં તમને ઈનામ લાગ્યું છે. હવે જો ઈનામ છોડાવવું હોય તો ઓનલાઈન ચોક્કસ રૂપિયા ભરવા પડશે. હર્ષ શાહ ઈનામ મેળવવાની લાલચમાં પૈસા ભરવા માટે રાજી થઈ ગયાં અને સાયબર ગઠિયાએ આપેલી લિંક પર 99 હજાર જમા કરાવી દીધા. રૂપિયા જમા કરાવ્યા બાદ તેમને ઈનામ ના મળ્યું પણ 99 હજાર ગુમાવવાનો વારો આવ્યો છે. તેમણે પોતાની સાથે થયેલી છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
પેઈંગ ગેસ્ટ ચાર્જના બદલે રૂપિયા ખોયા
શહેરમાં સેટેલાઈટ વિસ્તારમાં શિવરંજિની સોસાયટીમાં રહેતા રક્ષાબેન ભટ્ટના મોબાઈલ પર કોલ આવ્યો હતો. સામેની બાજુએથી પેઈંગ ગેસ્ટ અંગેની ઈન્કવાયરી કર્યા બાદ તેમના ત્યાં પોતાની જીકરીને પેઈંગ ગેસ્ટ તરીકે રાખવાની વાત કરી હતી. તેના ચાર્જ પેટે ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહી.ગઠિયાએ રક્ષા બેનના મોબાઈલ પર લિંક મોકલી હતી. રક્ષાબેનના મોબાઈલ પર આવેલ બાર કોડ સ્કેન કરતાની સાથે જ રક્ષાબેનના ખાતામાં કંઈ આવ્યું નહીં, પરંતુ તેમના ખાતામાંથી 59 હજાર રૂપિયા ડેબિટ થઈ ગયાં હતાં. તેમણે પોતાની સાથે થયેલી ઠગાઈ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પાર્ટ ટાઈમ જોબના નામે ચીટીંગ
સરખેજ સાણંદ રોડ પરના હાઉસિંગ બોર્ડમાં રહેતાં શિવાનીબેન વ્યાસ પર કોલ આવ્યો હતો. ફોન કરનારે એમેઝોન કંપનીમાંથી વાત કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેણે શિવાનીબેનને પોતાની કંપનીમાં પાર્ટટાઈમ જોબ કરી હેન્ડસમ એમાઉન્ટ કમાવવાની લાલચ આપી હતી. ફોન કરનારે અલગ અલગ ટાસ્ક આપીને યુપી આઈડી પર રૂપિયા ટ્રાન્સફર કરાવી જુદા જુદા બેનિફિટ આપવાની લાલચ આપી હતી. લાલચમાં શિવાની બેને ગઠિયાના જણાવ્યા પ્રમાણે 67 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતાં. તેમને ટ્રાન્સફર કર્યા બાદ કોઈ લાભ થયો નહીં અને પોતાના રૂપિયા ગુમાવ્યા હતાં. આ કેસમાં સરખેજ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
સસ્તા ફોનની લાલચ ભારે પડી
સરખેજ ગામના દર્શન નાયક ઈન્સ્ટાગ્રામ મારફતે અશ્વિન નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતાં. અશ્વિને સસ્તા ભાવમાં આઈફોન આપવાની લાલચ આપી હતી. સસ્તા ભાવમાં આઈફોન મેળવવાની લાલચમાં દર્શન નાયક ગઠિયાની લાલચમાં આવી ગયાં હતાં. તેના જણાવ્યા પ્રમાણે 68 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કર્યાં હતાં. પરંતુ આખરે તેમણે આઈફોન તો મળ્યો નહીં અને રૂપિયા ગુમાવ્યા હતાં.
લોનના બહાને છેતરપિંડી
અમદાવાદના વાસણામાં રહેતાં હીનાબેન સંઘવીને બેન્કમાંથી તેમની પાંચ લાખ રૂપિયાની લોન મંજુર થઈ ગઈ હોવાનો કોલ આવ્યો હતો અને લોનની પ્રોસેસ માટે 1.99 લાખ જમા કરાવવા પડશે તેવું કહ્યું હતું. સાયબર ગઠિયાની વાતમાં આવી ગયેલા હિના બહેને પાંચ લાખ રૂપિયાની પર્સનલ લોન મેળવવાની લાલચમાં તેના જણાવ્યા પ્રમાણે રૂપિયા 1.99 લાખ ટ્રાન્સફર કરાવી દીધા હતાં. પર્સન લોન તો ના મળી પણ ઘરના 1.99 લાખ ગુમાવવા પડ્યાં હતાં.
kyc કરતાં 8.99 લાખ ગુમાવ્યા
એલિસબ્રિજ વિસ્તારમાં જીવન જ્યોત ફ્લેટમાં રહેતા સુવર્ણાબેન શાંતિલાલ કાપડિયા નામના 87 વર્ષિય વૃદ્ધાના મોબાઈલ પર ફોન આવ્યો અને પોતે બેન્કનો કર્મચારી હોવાની ઓળખાણ આપી હતી. સુવર્ણાબેનને વિશ્વાસમાં લઈને તેમનું SBI બેન્કનું KYC અપટેડ કરવાનું કહીને તેમની પાસે તમામ વિગતો મેળવી લેવામાં આવી હતી. ગઠિયાને બધી વિગતો મળી જતાં તેણે સુવર્ણા બહેનના ખાતામંથી 8.89 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતાં. જે અંગે વૃદ્ધાને જાણ થતાં તેમણે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં રહેતા યુવકને ફોન કરીને કહેવામાં આવ્યું કે, તમારા એકાઉન્ટનું સીઆરએન KYC અપડેટ કરવાનું છે. જો અપડેટ નહીં કરો તો એકાઉન્ટ બંધ થઈ જશે. તેમ કહીને ગઠિયાએ ઓટીપી મેળવી લીધો હતો. ઓટીપી મળતાંની સાથે જ યુવકના ખાતામાંથી તેણે 1.26 લાખ રૂપિયા પડાવી લીધા હતાં. આ અંગે યુવકે વટવા GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
ઘરબેઠા પૈસા કમાવવાની લાલચ આપી 65 હજાર પડાવ્યા
વટવાના પંડિત દિનદયાળ વિભાગ-2માં રહેતાં રૂદ્ર ત્રિવેદીને ઘરે બેઠા રૂપિયા કમાવવાની લાલચ આપી વિશ્વાસ કેળવીને એફએમ મોલ નામના પેજમાં અલગ અલગ ટ્રાન્જેક્શન કરાવને કુલ 65 હજાર પડાવી લીધા હતાં. જો કે આ પૈસા પરત મળી જશે તેમ પણ જણાવ્યું હતું. પરંતુ બાદમાં યુવકને ના કામ મળ્યું અને પોતાના પૈસા પણ ગુમાવ્યા હતાં. યુવકે આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.