ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે આઠ કેબિનેટ મંત્રી, બે રાજ્યકક્ષાના( સ્વતંત્ર હવાલો) તથા 6 રાજ્યમંત્રીઓએ શપથ લીધા છે. આ ટીમમાં એક માત્ર મહિલા મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગત સરકારમાં ભૂપેન્દ્ર પટેલની ટીમમાં બે મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. આ વખતે ગત સરકારના 10 મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું નથી.
તે ઉપરાંત કુબેરસિંહ ડિડોર, ભાનુબેન બાબરીયા, મુળુભાઈ બેરા, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલ, પ્રફૂલ્લ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિને સ્થાન આપવામાં આવ્યું છે.13 સપ્ટેમ્બર 2021ના રોજ વિજય રૂપાણી સરકારને અચાનક બદલીને ભાજપ હાઈકમાન્ડે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યાં હતાં. તે સમયે સરકારની કેબિનેટમાં 25 મંત્રીઓ હતાં. જેમાં 10 કેબિનેટ, 5 રાજ્યકક્ષા ( સ્વતંત્ર હવાલો) અને 9 રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ કરાયો હતો. આ વખતે ભૂપેન્દ્ર પટેલની ટીમમાં 16 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં આઠ કેબિનેટ, બે રાજ્યકક્ષા ( સ્વંતંત્ર હવાલો) અને 6 રાજ્યમંત્રીઓનો સમાવેશ કરાયો છે.