વારસિયા રિંગ રોડની ગુરુકૂળ વિદ્યાલયમાં શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકો-શિક્ષિકાઓની મિટિંગ યોજાઇ હતી. મિટિંગમાં ભાજપના ઉમેદવારની તરફેણમાં ચૂંટણી પ્રચાર કરાતો હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસના ઉમેદવાર અનિલ પરમારે કાર્યકરો સાથે પહોંચી હોબાળો મચાવી દીધો હતો. હોબાળાને કારણે મિટિંગમાં આવેલી શિક્ષિકાઓ મોંઢું ઢાંકીને ભાગી હતી. વડોદરા શહેરવાડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનિલ પરમારે જણાવ્યું હતું કે, મીટિંગમાં 5 ડિસેમ્બરે થનારા સર્વિસ વોટર્સના મતદાન માટે મત આપવા જણાવાતું હતું.
આ અંગે માહિતી મળતાં કાર્યકરો સાથે અમે ગુરુકૂળ વિદ્યાલયમાં પહોંચ્યા હતા. અને આ મુદ્દે આચારસંહિતા ભંગ થતો હોઇ નોડલ ઓફિસરને લેખિત ફરિયાદ કરી છે. શિક્ષણ સમિતિના અધ્યક્ષા મીનાબા પરમારે કહ્યું હતું કે, નેશનલ એચીવમેન્ટ સર્વેના રિવ્યૂ માટે બેઠક યોજાઇ હતી. કોંગ્રેસી કાર્યકરોએ ખુરશીઓની તોડફોડ કરતાં એક બહેનને ઇજા થઇ છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ ફરિયાદ કરીશું.