વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી પર્વની સાંજે વડોદરાના ભાજપના એક કાર્યકર સાથે દિલ્હીથી સીધી મોબાઇલ પર વાત કરી હતી અને ગઇકાલથી મોદીની એ કાર્યકર સાથેની વાતચીતની ઓડિયો ક્લિપ શહેર- ભાજપના કાર્યકરોમાં ફરતી કરી દેવાઇ છે. દિવાળીની ઢળતી સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય શહેરો તેમજ ગ્રામ્ય કક્ષાના ભાજપના કેટલાક કાર્યકરો સાથે મોબાઇલ પર ડાયરેક્ટ વાત કરી હતી.
કાર્યકરો સાથે પ્રધાનમંત્રીની સીધી વાત જાણે મેચ ફિક્સિંગ હોયતે રીતે તેમને નરેન્દ્ર મોદી કયા પ્રશ્ન પૂછશે તે અંગે પ્રદેશના નેતાઓએ જેતે કાર્યકર્તાને અગાઉથી જાણ કરી દીધી હતી. દિવાળીના દિવસે બપોરે વડોદરાના વોર્ડ કક્ષાના મહામંત્રી ગોપાલ ગોહિલ પર પહેલા સાંસદનો ત્યાર બાદ પ્રદેશ ભાજપના ઉપપ્રમુખનો અને છેલ્લે મહામંત્રીનો એમ એક પછી એક ત્રણ ફોન આવ્યા અને એ નેતાઓએ કાર્યકરને કહ્યું કે સાંજે ચારથી છ વાગ્યા સુધીમાં તમારી સાથે ગમે ત્યારે દિલ્હીથી ફોન આવશે અને મોદી સાહેબ તમારી સાથે સીધી વાત કરશે. તેમની સાથે વાતચીત દરમ્યાન તમે હાલની રાજકીય પરિસ્થિતિ અંગે તેમનું માર્ગદર્શન માંગતો પ્રશ્ન પૂછશે.
વડોદરાના કાર્યકર્તા પર પ્રદેશથી ફોન આવ્યા બાદ દિવાળીની સાંજે દિલ્હીથી ખુદ નરેન્દ્ર મોદીનો ફોન એ કાર્યકર્તા પર આવ્યો પહેલા તો પ્રધાનમંત્રીએ કાર્યકર્તાને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી હતી. નરેન્દ્ર મોદી જાણે કે આ કાર્યકરને વર્ષોથી અંગત રીતે ઓળખતા હોય તેમ પૂછ્યું કે તમારો વ્યવસાય સ્ટેશનરીને છે તે જ છે કે હવે નવો વ્યવસાય તો શરૃ નથી કર્યોને? તે પછી પ્રધાનમંત્રીએ એ કાર્યકરના ખબર અંતર સાથેનો તેમનો જૂનો નાતો યાદ કર્યો હતો. કાર્યકરે પ્રધાનમંત્રી પાસે માર્ગદર્શન માગતા એવો પ્રશ્ન કર્યો કે હાલમાં કોંગ્રેસ પક્ષ જે રીતે અપપ્રચાર કરી રહ્યું છે તે સામે હવે ભાજપના કાર્યકર્તાઓએ શું કરવું જોઇએ ?? તેના જવાબમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, જનસંઘ વખતથી આપણા નસીબમાં ગાળો લખાઇ છે. જુઠ્ઠાણા લખાયેલા છે. અગાઊ ચૂંટણી સમયે મોદીનો સોદાગર, હત્યારા, લોહીથી ખરડાયેલા એમ કહેવા કેવા શબ્દો એ લોકો વાપરતા હતા. તેમણે કાર્યકર્તાને ઊદાહરણ આપ્યું કે, તમારા વોટસ્અપ પર કોઇ રમકડું આવ્યું અને તમે સીધે સીધુ એ ફોરવર્ડ કરી દો છોને!! પહેલા અફવા કાનોકાન ફેલાવવામાં આવતી હતી હવે વોટસ્અપ એ ઝડપથી ફેલાવે છે. જેથી આવા જૂઠ્ઠાણા પર ધ્યાન આપવું નહી. અને આપણી સત્ય હકીકતો પ્રજા સુધી પહોંચાડવાની જરૃર છે. જે સાચુ અને સારૃ છે તે પ્રજા સુધી હિમ્મતપૂર્વક પહોંચાડજો. દિવસ-રાત એક કરીને તમે કામ કરતા રહ્યાં છો તેવું જ ચાલુ રાખજો. પ્રધાનમંત્રીએ દિવાળીપર્વે વડોદરાના કાર્યકર્તા સાથે મોબાઇલ પર વાતચીત કરી અને તેની ' ઓડિયો ક્લીપ' ગઇકાલથી ફરતી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાની નેમ વ્યકત કરી છે. અને ભાજપમાં કોંગ્રેસની આગેવાનોને પ્રવેશ આપી ભાજપને કોંગ્રેસયુક્ત અર્થાત ભાજપનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે તેવા સંજોગોમાં ભાજપના સંનિષ્ઠ કહેવાતા કાર્યકર્તાઓમાં જેછૂપો રોષ વ્યાપ્યો છે. તેને ધ્યાનમાં રાખી વડાપ્રધાનને વિધાન સભાની ચૂંટણી પૂર્વે કાર્યકરો યાદ આવ્યા અને તેમનું મનોબળ વધારવા દિવાળીના દિવસે કેટલાક કાર્યકરો સાથે સીધી મોબાઇલ પર વાત કરી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાય છે.