મહેસાણા પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) નાં કન્વિનર નરેન્દ્ર પટેલે મંગળવારે ભાજપના નેતાઓ જીતુ વાઘાણી, ભરત પંડ્યા, ઋત્વિજ પટેલ સહિત છ લોકો વિરૂદ્ધ ગાંધીનગર કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા પાસના કન્વિનર નરેન્દ્ર પટેલે ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે તેમને ભાજપમાં જોડાવા માટે એક કરોડ રૂપિયાની ઓફર કરાઇ હતી અને આ માટે દસ લાખ રૂપિયા પણ ચુકવી દેવાયા હતા જે તેમણે પત્રકાર પરિષદ યોજી જાહેર કર્યા હતાં અને તેઓ ભાજપમાં જોડાવાના નથી તેમ જણાવ્યું હતું. નરેન્દ્ર પટેલે ગાંધીનગર કોર્ટમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, યુવા ભાજપ નેતા ઋત્વિજ પટેલ, ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા સહિત પાસમાંથી ભાજપમાં જોડાયેલ વરુણ પટેલ સહિત મહેશ પટેલ અને રવિ પટેલ વિરૂદ્ધ લાંચ આપવા, ઠગાઇ, વિશ્વાસઘાત, ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.