ભાજપની સરકાર બનશે તો સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ યથાવત - ભૂપેન્દ્રસિંહ યાદવ

Webdunia
મંગળવાર, 14 નવેમ્બર 2017 (12:02 IST)
ગુજરાત ભાજપના પ્રભારી અને ભાજપનાં રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવે એસ.જી. હાઇવે ખાતેનાં મીડિયા સેન્ટર ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી મુખ્યમંત્રી વિજય રૃપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને તેમની ટીમના વડપણ હેઠળ જ લડાશે. તેમજ ભાજપ જીતશે તો વિજય રૃપાણીને ફરીથી મુખ્યમંત્રી અને નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવાશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ પણ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા આ અંગેની સ્પષ્ટતા થઇ છે. પરંતુ કોંગ્રેસે તેના મુખ્યમંત્રી પદનાં ઉમેદવારને જાહેર કરવા જોઇએ. જો કોંગ્રેસ જીતશે તો કોને મુખ્યમંત્રી બનાવશે ?

ભરતસિંહ સોલંકીને કે શક્તિસિંહ ગોહિલને ? હાલનાં ભાજપનાં કેટલા ધારાસભ્યોને ટિકિટ નહીં મળે- તે અંગે તેઓએ કહ્યું કે કોઇ કપાયું નથી પરંતુ અત્યારે ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા ચાલુ છે. સાધુ સંતોને ટિકિટ આપવાની કોઇ વાત નથી. કોંગ્રેસનાં રાહુલ ગાંધી પર ભારે આક્રોશ સાથે ટીકા કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી ગુજરાતનાં વિવિધ મંદિરોમાં જાય તેમાં કશું ખોટું નથી. પરંતુ દિલ્હીમાં પોતાના ઘરની નજીક આવેલા વિવિધ મંદિરો કે અક્ષરધામમાં તેઓ ક્યારેય ગયા નથી. ચૂંટણી હોવાના કારણે જ મંદિરમાં જવું યોગ્ય નથી. કોંગ્રેસ પરિવારવાદની, જ્યારે ભાજપ વિકાસવાદની રાજનીતિ કરે છે. રાહુલને પડકાર ફેંકતા કહ્યું કે ગુજરાતનાં કોઇપણ જિલ્લાનો અને અમેઠીનાં વિકાસની સરખામણી કરો. ગુજરાતની જનતા પણ અમેઠીના વિકાસના આંકડા જાણવા માગે છે. કારણ કે ગાંધી પરિવાર અહીંથી વર્ષોથી પ્રતિનિધિત્વ કરતો આવ્યો છે. જીએસટી સંસદમાં પાસ થયું છે. પણ રાહુલે તેના વિશે સંસદમાં કોઇ વિચારો રજૂ કર્યા છે ? ઓબીસીના મુદ્દા, મહિલા આયોગની વાત, મુસ્લિમ મહિલાઓની ત્રિપલ તલાકની વાત અને વિચાર તેઓ જનતાને જણાવે. નર્મદાને કોંગ્રેસે વર્ષો સુધી લટકાવી રાખી. નર્મદા ડેમના દરવાજા બંધ કરવાના કાર્યક્રમનો પણ કોંગ્રેસના નેતાઓએ વિરોધ કર્યો હતો. રાહુલ આ બાબતે કેમ ચૂપ છે ? ગુજરાતમાં કોંગ્રેસે તેના મુખ્યમંત્રીના દાવેદારને સામે લાવવો જોઇએ. કોંગ્રેસ તમામ સ્તરે નિષ્ફળ ગઇ છે. થોડા દિવસોમાં વારંવાર મુદ્દાઓ બદલાવે છે. કોંગ્રેસનું નેતૃત્વ જ દિશા અને મુદ્દાવિહીન છે. આથી જ ગુજરાતની પ્રજા કોંગ્રેસને છેલ્લા ૨૨ વર્ષથી જાકારો આપી રહી છે. ગુજરાતમાં લોકોને ભાગલા પડાવીને સત્તા મેળવવાનો કોંગ્રેસનો કારસો પ્રજા ક્યારેય સફળ થવા દેશે નહીં અને ભાજપને જ ફરીથી વિજયી બનાવશે. અન્ય કેટલાક પ્રશ્નોના જવાબો આપતા ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે, અહીં અમે શા માટે નેતાઓની ફૌજ ઉતારી તે પ્રશ્ન કોંગ્રેસને પૂછવો જોઇએ. ગુજરાતમાં પ્રચાર માટે ભાજપ કોઇ મૌલવીને મેદાનમાં ઉતારવાનું નથી. કોંગ્રેસ 'પ્લાન્ટ' કરીને આવો પ્રચાર કરાવી રહી છે. ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા લગભગ પૂર્ણ થવામાં છે. ૧૫મીએ દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં તમામ નામો નક્કી કરાયા બાદ સત્તાવાર જાહેરાત કરાશે. કારડીયા રાજપૂત દ્વારા જીતુભાઇ વાઘાણી સામે ચાલતા આંદોલન અંગે કહ્યું કે, બધા સાથે જ છે અને સાથે મળીને કામ કરશે.

સંબંધિત સમાચાર

Next Article