Diwali 2023 : 10 તારીખે ધનતેસસ સાથે જ 5 દિવસના તહેવાર એવા દિવાળીની શરૂઆત થઈ જશે. 12 નવેમ્બરે લોકો ઘરોમાં દિવા પ્રગટાવીને લક્ષ્મી-ગણેશની પૂજા સાથે પ્રકાશ પર્વ દિવાળી ઉજવશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિએ દિવાળી ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે દેવી લક્ષ્મી-ગણેશની પૂજા સંપૂર્ણ વિધિથી કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય આવે છે. દિવાળીના દિવસે દેવી સરસ્વતી, ભગવાન કુબેર અને ધન્વંતરી દેવતાની પણ પૂજા કરવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે દિવાળી શા માટે ઉજવવામાં આવે છે અને તેની પાછળની પૌરાણિક કથા શું છે.
1. ધાર્મિક માન્યતાઓ અનુસાર ત્રેતાયુગમાં લંકાપતિ રાવણનો વધ કર્યા બાદ ભગવાન શ્રી રામ કારતક અમાવસ્યાના દિવસે માતા સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા હતા. ભગવાન રામના અયોધ્યા પરત ફરવાની ખુશીમામાં અને તેમનું સ્વાગત કરવા માટે અયોધ્યાના લોકોએ સમગ્ર રાજ્યને દીવાઓની રોશનીથી પ્રકાશિત કર્યું હતું. એવું કહેવાય છે કે તે દિવસથી જ લોકોએ દીવા પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ભગવાન રામ 14 વર્ષના વનવાસ પછી માતા સીતા અને લક્ષ્મણજી સાથે અયોધ્યા પરત ફર્યા હતા.
2. નવરાત્રીના નવ દિવસોમાં રાક્ષસોનો વધ કરવા માટે મા દેવીએ મહાકાળીનું રૂપ ધારણ કર્યું હતું. રાક્ષસોનો વધ કર્યા બાદ પણ જ્યારે મહાકાળીનો ક્રોધ શાંત ન થયો ત્યારે ભગવાન શીવ તેમના ચરણોની નીચે સુઈ ગયાં હતાં. ભગવાન શીવના શરીરના સ્પર્શ માત્રથી જ મહાકાળીનો ક્રોધ શાંત થઈ ગયો હતો. તેમની આ યાદ સ્વરૂપે શાંતિની પ્રતિક દેવી લક્ષ્મીની પુજાની શરૂઆત થઈ છે. આ જ રાત્રે તેમના રૌદ્ર રૂપ મહાકાળીની પુજાનું પણ મહત્વ છે.
3 મહાપ્રતાપી અને દાનવીર રાજા બલીએ પોતાના બળ દ્વારા ત્રણેય લોક પર વિજય મેળવી લીધી ત્યારે દેવતાઓની પ્રાર્થના કરવા પર વિષ્ણુએ વામન રૂપ ધારણ કરીને પ્રતાપી રાજા બલી પાસેથી ત્રણ પગ પૃથ્વી દાન સ્વરૂપે માંગી લીધી. મહાપ્રતાપી રાજા બલીએ ભગવાન વિષ્ણુની ચાલાકીને સમજવા છતાં પણ યાચકને નિરાશ ન કરતાં તેમને ત્રન પગ પૃથ્વી દાનમાં આપી દીધી. વિષ્ણુએ ત્રણ પગમાં ત્રણેય લોકોને માપી લીધા અને તેઓ રાજા બલીની દાનશીલતાથી પ્રભાવિત થઈને તેમને પાતાળ લોકન રાજા બનાવી દીધા અને સાથે સાથે તેમને તે પણ આશ્વાસન આપ્યુ કે તેમની યાદ સ્વરૂપે ભૂ લોકવાસી દર વર્ષે દિવાળી ઉજવશે.
4 રાજા ઇન્દ્ર અને બલિની કથા - એકવાર દેવતાઓના રાજા ઈન્દ્રથી ગભરાઈને રાક્ષસ રાજા ક્યાંક છુપાઈ ગયા, રાજા ઈન્દ્ર તેમને શોધતા શોધતા એક ખાલી મકાનમાં પહોંચ્યા, જ્યાં રાજા બલિ ગધેડાના રૂપમાં છુપાયેલા હતા, બંને એકબીજા સાથે વાત કરવા લાગ્યા. વાતચીત ચાલી રહી હતી કે રાજા બલિના શરીરમાંથી એક સ્ત્રી બહાર આવી.
જ્યારે દેવોના રાજા ઇન્દ્રએ તેમને પૂછ્યું, ત્યારે સ્ત્રીએ કહ્યું, “હું દેવી લક્ષ્મી છું, હું સ્વભાવથી એક જગ્યાએ રહી શકતી નથી”. પણ જ્યાં સત્ય, દાન, ઉપવાસ, ધર્મ, પુણ્ય, પરાક્રમ, તપ વગેરે સ્થાનમાં હું સ્થિર રહું છું. જે વ્યક્તિ સત્યવાદી છે, બ્રાહ્મણોનો કલ્યાણ કરનાર છે, ધર્મની મર્યાદાઓનું પાલન કરે છે, તે રીતે નિવાસ કરે છે, આ રીતે સ્પષ્ટ થાય છે કે જ્યાં સારા સદ્ગુણોનો વાસ હોય છે ત્યાં જ માતા લક્ષ્મીનો વાસ થાય છે.
5. ભગવાન કૃષ્ણ અને નરકાસુર - કૃષ્ણ ભક્તોના જણાવ્યા અનુસાર, આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો અને આ ખુશીમાં ભક્તોએ તેમના ઘરોમાં દીવા પ્રગટાવ્યા હતા, તેથી દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે.
6. સમુદ્ર મંથન - હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર, દિવાળીનો તહેવાર દેવી લક્ષ્મીના જન્મોત્સવની ઉજવણી માટે ઉજવવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન દેવી લક્ષ્મી પ્રગટ થયા હતા. તે વખતે કારતક માસની અમાવાસ્યાનો દિવસ હતો. કહેવાય છે કે ત્યારથી દિવાળી અને લક્ષ્મી પૂજનની પરંપરા શરૂ થઈ. દિવાળી પર દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી અને પરિવારમાં સુખ-શાંતિ રહે છે.
દિવાળી ઉજવવાનું કારણ ગમે તે હોય, દરેક કથા પાછળ દીવાનું મહત્વ હોય છે એ ચોક્કસ છે. દિવાળીનો તહેવાર અંધકારમાંથી પ્રકાશ, અધર્મમાંથી ધર્મ અને પાપમાંથી પુણ્યનો તહેવાર છે. દિવાળીના તહેવારની દરેક વ્યક્તિ ખુશીઓથી ઉજવણી કરે છે.