છોકરીમાંથી છોકરો બની પછી થયું આવુ, એન્જિનિયર યુવતીની હત્યામાં એક તરફી પ્રેમી ટ્રાન્સ મેલની સંડોવણી

Webdunia
મંગળવાર, 26 ડિસેમ્બર 2023 (08:42 IST)
તામિલનાડુની રાજધાની ચેન્નાઈમાં 24 વર્ષીય સૉફ્ટવૅર એન્જિનિયર યુવતીની હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહિલાની ઓળખ નંદિની તરીકે થઈ છે, જે મદુરાઈ જિલ્લાની રહેવાસી હતી.
ચેન્નાઈના આઈટી કૉરિડૉર પાસે પોનમાર વિસ્તારમાં શનિવારે રાત્રે નંદિનીનો દેહ અડધી બળેલી હાલતમાં મળી આવ્યો હતો. તેના હાથ-પગ બાંધેલા હતા અને રવિવારે સવારે તેનું મૃત્યુ થયું.
 
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નંદિનીના પૂર્વ બૉયફ્રેન્ડ (પ્રેમી) વેત્રીમારન આ જઘન્ય અપરાધ માટે કથિત રીતે જવાબદાર છે.
 
વેત્રીમારન નંદિનીનો સ્કૂલ ફ્રૅન્ડ હતો અને ત્યારથી તેને પ્રેમ કરતો હતો, પણ પછીથી તેની ઓળખ ટ્રાન્સ મેલ (લિંગ બદલીને પુરુષ બનનાર) તરીકે થઈ.
 
આ ઘટનાના સંદર્ભમાં જે માહિતી બહાર આવી છે તે એકતરફી પ્રેમ, ઈર્ષ્યા અને આખરે એક ભયંકર અપરાધ દર્શાવે છે. આ ઘટનાએ સમગ્ર સમાજને આંચકો આપ્યો છે.
 
આખરે શું થયું?
 
નંદિની વ્યવસાયે સૉફ્ટવૅર એન્જિનિયર હતી અને થોરાઈપક્કમ વિસ્તારમાં એક ખાનગી સૉફ્ટવૅર કંપનીમાં કામ કરતી હતી. તે છેલ્લા 8 મહિનાથી ચેન્નાઈમાં રહેતી હતી.
 
સ્થાનિક લોકોને નંદિનીની લાશ એક નિર્જન સ્થળે બળેલી હાલતમાં મળી હતી ત્યારબાદ તેને હૉસ્પિટલ લઈ જવાઈ હતી. ગંભીર રીતે દાઝી જવાના કારણે તેને બચાવી શકાઈ નહોતી.
 
હત્યાની તપાસ દરમિયાન પોલીસે ગુનાના સ્થળેથી એક સેલફોન કબજે કર્યો હતો. ત્યારબાદ વેત્રીમારનની ઓળખ આ ઘટનાના મુખ્ય આરોપી તરીકે થઈ હતી.
 
સ્કૂલ સમયના દિવસોમાં વેત્રીમારનની પાંડી મહેશ્વરી (મહિલા) તરીકે ઓળખ હતી અને તે શાળામાં નંદિનીની મિત્ર હતી.
 
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, નંદિની અને મહેશ્વરી સ્કૂલના સમયથી સારા મિત્રો હતા.
 
શાળા છોડ્યાનાં ઘણાં વર્ષો પછી મહેશ્વરીએ તેનું લિંગ પરિવર્તન કરાવ્યું અને ટ્રાન્સમેલ બની અને તેનું નામ બદલીને વેત્રીમારન રાખ્યું હતું.
 
તપાસમાં શું જાણવા મળ્યું?
 
વેત્રીમારનની પૂછપરછ દરમિયાન આ જઘન્ય હત્યા પાછળનો હેતુ સામે આવ્યો છે.
 
પોલીસના જણાવ્યા અનુસાર, વેત્રીમારને સ્વીકાર્યું છે કે તે અને નંદિની એક સમયે પ્રેમમાં હતા.
 
પરંતુ જ્યારે વેત્રીમારનને ખબર પડી કે નંદિની હવે તેનાથી દૂર થઈ રહી છે અને અન્ય લોકોની નજીક આવી રહી છે ત્યારે તેમના સંબંધો બગડવા લાગ્યા.
 
પોલીસના જણાવ્યા અનુસાર છેતરપિંડી અને ઈર્ષ્યાના ડરથી વેત્રીમારને નંદિનીનો જીવ લેવાનું પ્લાનિંગ કર્યું હતું.
 
નંદિનીના જન્મદિનના બહાને વેત્રીમારન તેને નિર્જન વિસ્તારમાં લઈ ગયો. તેની તેની આંખો પર પટ્ટી બાંધી અને તેના હાથ-પગ બાંધી દીધા અને પછી ગુનાને અંજામ આપ્યો.
 
તેણે પહેલા નંદિની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો અને પછી તેના પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી. આ પછી તે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
 
પોલીસે વેત્રીમારનને કસ્ટડીમાં લઈ તેની સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 
મહિલાઓની સુરક્ષા પર સવાલો
 
આ દુખદ ઘટનાએ મહિલાઓનાં સન્માન અને તેમના અસ્વીકાર પછી થતી હિંસા અંગે ઘણા ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
 
નારીવાદી સંશોધન નિષ્ણાત નિવેદિતા લુઈસ માને છે, "પિતૃસત્તાક માનસિકતામાં મહિલાઓને તેમની ઇચ્છાઓ વ્યક્ત કરવા અને તેમના અધિકારોનો દાવો કરવા માટે ધમકીઓનો સામનો કરવો પડે છે. જે ઘણી વખત હિંસક પ્રતિક્રિયાઓ સુધી જાય છે."
 
નિવેદિતા લુઈસ સમજાવે છે કે, જ્યારે પણ મહિલાઓને આર્થિક સ્વતંત્રતા મળે છે અને પોતાની ઇચ્છાઓ વ્યક્ત કરવાની હિંમત મળે છે ત્યારે તેઓ પિતૃસત્તાક વ્યવસ્થા માટે ફટકો બની જાય છે.
 
તેઓ કહે છે, "પુરુષો વર્ચસ્વ જાળવી રાખવા માટે સમાજમાં થતા ફેરફારોના પ્રતિભાવમાં હિંસાનો આશરો લઈ શકે છે. નંદિની અને વેત્રીમારનને સંડોવતી ઘટના દુખદ રીતે ઝેરી પુરુષત્વનાં પરિણામો અને એક તરફી પ્રેમની કાળી બાજુનું ઉદાહરણ દર્શાવે છે."

સંબંધિત સમાચાર

Next Article