સુરતમાં ડ્રમને લઈ પોલીસ સિવિલ દોડી, ડ્રમ કાપતાજ યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી

Webdunia
બુધવાર, 3 જુલાઈ 2024 (12:10 IST)
Body of girl found in drum in Surat
 શહેરના ભેસ્તાન વિસ્તારમાં અવાવરું જગ્યાએથી શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતું. લાશ હોવાની આશંકા સાથે પોલીસ વજનદાર ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં રાત્રે સિમેન્ટ ભરેલું આ ડ્રમ કાપતા તેમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ગળેટૂંપો આપી હત્યા કર્યા બાદ લાશને પ્લાસ્ટિકના ડ્રમમાં કાપડના ડૂચા, રેતી- સિમેન્ટ સાથે ભરી દઈ ફેંકી દેવાયું હતું. આ મામલે ભેસ્તાન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
 
ડ્રમમાં યુવતીનું માથું અંદર અને પગ બહારની સાઇડમાં હતા
પ્રાપ્ત માહિતી પ્રમાણે, ગઈકાલે સુરતમાં ભેસ્તાન વિસ્તારમાં અવાવરું જગ્યા પરથી સિમેન્ટ ભરેલું શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતું. ભેસ્તાન પોલીસ સિમેન્ટ ભરેલું ડ્રમ લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. ભારે ભરખમ ડ્રમ થોડું ખુલ્લું હતું અને પગ જેવું દેખાતા લાશ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી. જેને પગલે સિવિલના તબીબો પણ ચોંકી ગયા હતા. પીએમ રૂમમાં પાંચ ફૂટના આ ડ્રમને તોડવા એકતા ટ્રસ્ટની ટીમની મદદ લેવાઈ હતી. બીજી તરફ એફએસએલની ટીમ પણ સિવિલ દોડી હતી.કટરથી ડ્રમ તોડવાનું શરૂ કરાતા જ પોલીસ-તબીબો સહિત સૌ કોઈ અવાક થઈ ગયા હતા.ડ્રમ તોડાતા યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.ડ્રમમાં યુવતીનું માથું અંદર અને પગ બહારની સાઇડમાં હતા. 
 
ગળેટૂંપો આપી હત્યા કરાઇ હોવાનું પોલીસ અને તબીબોનું અનુમાન
ડ્રમમાં લાશ ઉપર કપડાના ડૂચા, રેતી, સિમેન્ટ પણ ભરવામાં આવ્યા હતા. પોલીસ માટે પડકાર એ હતો કે, આટલું ભારે ભરખમ ડ્રમ લઈ કેવી રીતે જવું? છેવટે ટેમ્પોમાં ભરી ડ્રમ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું. મોડીરાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સિવિલ દોડી ગયા હતા. ભેસ્તાન પોલીસે હત્યાનો ગુનો નોંધવાની સાથે જ્યાંથી ડેડબોડી મળી છે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવા દોડધામ કરી છે. પોલીસે સ્થાનિક વિસ્તારના લોકોના નિવેદન લેવાની કવાયત હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે. મૃતક યુવતીની ઉંમર 30 વર્ષની હોવાનું અનુમાન છે. યુવતીને ગળેટૂંપો આપી હત્યા કરાઇ હોવાનું પોલીસ અને તબીબોનું અનુમાન છે. 2-3 દિવસ પહેલાં યુવતીની હત્યા કરાઇ હોવાની શક્યતા છે.

સંબંધિત સમાચાર

Next Article