મુંબઈમાં ચાલી રહેલી ઈંટરનેશનલ ઓલંપિક કમિટીની બેઠકમાં વર્ષ 2028માં અમેરિકાના લૉસ એંજિલિસમાં થનારી ઓલંપિક ગેમ્સમાં ક્રિકેટને સત્તાવાર રીતે સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ક્રિકેટ ઉપરાંત 4 અન્ય રમતોને પણ આ ઓલંપિક ગેમ્સમાં સામેલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 128 વર્ષ પછી ઓલંપિક ગેમ્સમાં ક્રિકેટનુ કમબેક થઈ રહ્યુ છે.
ક્રિકેટ ઉપરાંત આ રમતોનો પણ સમાવેશ
વર્ષ 2028માં અમેરિકામાં થનારી ઓલંપિક ગેમ્સમાં ક્રિકેટ ઉપરાંત જે 4 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમા બેસબોલ-સોફ્ટબોલ, સ્ક્વૈશ, ફ્લેગ ફુટબોલ અને લૈક્રોસ છે. આ રમતને લઈને સહમતિ પહેલા જ બની ગઈ હતી. જેની સત્તાવાર જાહેરાત 16 ઓક્ટોબરના રોજ કરવામાં આવી. ક્રિકેટને ટી20 ફોર્મેટમાં રમાશે. જેમા દરેક ઓલંપિક હોસ્ટ સિટીને કોઈપણ રમતને સામેલ કરવા માટે થોડા વર્ષ પહેલા તેની અનુમતિ લેવાની હોય છે. મુંબઈમાં આયોજીત IOC ની બેઠકમાં થૉમસ બાચે આ રમતોનો સમાવેશ કરવાનુ એલાન કર્યુ.
ક્રિકેટને ગ્લોબલ સ્પોર્ટ્સ બનાવવામાં આઈસીસીને મળશે મદદ
ઓલંપિકમાં ક્રિકેટના 128 વર્ષના કમબેક પછી તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની એક મોટી જીત માનવામાં આવી રહી છે. તેનાથી ક્રિકેટને એક ગ્લોબલ સ્પોર્ટ્સ બનાવવામાં તેમને ખૂબ મદદ મળશે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં મહિલા ક્રિકેટ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ લોસ એન્જલસમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં પુરૂષ અને મહિલા બંને ક્રિકેટ ઈવેન્ટ્સ રમાશે. હાલમાં 6-6 ટીમોને સામેલ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે, જે રેન્કિંગના આધારે લાયકાત મેળવશે.