ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. યજમાન ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 5 વિકેટે 186 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 187 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. વિરાટ કોહલી(85) ના શાનદાર પ્રદર્શન છતાં ભારતીય ટીમ 7 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 174 રન જ બનાવી શકી હતી અને મેચ 12 રને હારી ગઈ હતી.
ભારતીય ટીમે ત્રીજી ટી 20 હારી હતી, પરંતુ 3 મેચની શ્રેણી 2-1થી જીતી હતી. મુલાકાતી ટીમે આ શ્રેણીની શરૂઆતમાં બંને ટી -20 જીતી હતી.
વિરાટનું શાનદાર પ્રદર્શન
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે ઇનિંગની 12 મી ઓવરના અંતિમ બોલ પર એક રન સાથે ટી 20 ઇન્ટરનેશનલની 25 મી અડધી સદી પૂરી કરી. વિરાટે શિખર ધવન (28) ની સાથે બીજી વિકેટ માટે 74 રન જોડ્યા. વિરાટે ડેનિયલ સેમ્સ ઇનિંગ્સની 16 મી ઓવરના સતત બોલમાં સિક્સર ફટકારી હતી અને તેના ઇરાદા દર્શાવ્યા હતા. આ જ ઓવરના છેલ્લા બોલ પર હાર્દિક પંડ્યા (20) એ પણ સિક્સર ફટકારી હતી. વિરાટ અને પંડ્યાએ 5 મી વિકેટ માટે 44 રન જોડ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ગત મેચમાં સુકાનીપદ સંભાળનાર મેથ્યુ વેડની સાથે ઈનિંગની શરૂઆત કરી હતી. વોશિંગ્ટન સુંદરે પોતાની પહેલી જ ઓવરમાં ફિન્ચને ખાતું ખોલ્યા વગર જ પેવેલિયન ભેગો કરી દીદો હતો. તેનો કેચ હાર્દિક પંડ્યાએ પકડ્યો હતો. સુંદરે ભારતીય ટીમને સ્ટીવ સ્મિથની બીજી વિકેટ અપાવી હતી. તે 24 રન બનાવીને બોલ્ડ થયો હતો. સતત બીજી મેચમાં વિકેટકિપર મેથ્યુ વેડે સીરિઝમાં હાફ સેન્ચુરી લગાવી હતી. 34 બોલમાં 7 ચોગ્ગાની મદદથી તેણે પોતાની હાફ સેન્ચુરી પૂરી કરી હતી.
યુઝવેન્દ્ર ચહલના નો બોલ પર આઉટ થયા બાદ મળેલાં જીવનદાનનો મેક્સવેલે પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો હતો. 31 બોલ પર 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી તેણે પોતાની હાફ સેન્ચુરી પૂરી કરી હતી. મેથ્યુ વેડે દીપક ઠાકુરને 80 રનનાં સ્કોર પર LBW કરીને પરત મોકલ્યો હતો. આ ટી20માં તેની સૌથી મોટી ઈનિંગ રહી હતી. જે બાદ ટી નટરાજને મેક્સવેલને 53 રનના સ્કોર પર બોલ્ડ કરીને ભારતને મોટી સફળતા અપાવી હતી.