Lahiru Thirimanne:શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર લાહિરુ થિરિમાનેને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 14 માર્ચ, ગુરુવારના રોજ તેની કાર અકસ્માતનો ભોગ બન્યો હતો. આ અકસ્માત શ્રીલંકામાં સ્થિત અનુરાધાપુરા નામના સ્થળે થયો હતો. થિરિમાને જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે એક મિની ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં થિરિમાનેની કારનો આગળનો ભાગ ખૂબ જ ખરાબ હાલતમાં મળી આવ્યો હતો, પરંતુ સારી વાત એ છે કે કોઈને ગંભીર ઈજા થઈ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે થિરિમાને ઘાયલ થયા છે, પરંતુ તેઓ સુરક્ષિત છે અને તેમના પરિવાર અને સંબંધીઓ માટે આ રાહતના સમાચાર છે.
લાહિરુ થિરિમાને હાલમાં લિજેન્ડ્સ ક્રિકેટ ટ્રોફી 2024માં ન્યૂયોર્ક સ્ટ્રાઈકર્સ તરફથી રમી રહ્યો છે. ન્યૂયોર્ક સ્ટ્રાઈકર્સે એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે થિરિમાને અને તેમનો પરિવાર કારમાં સાથે મુસાફરી કરી રહ્યા હતા, પરંતુ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી અને તેમને તપાસ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
2022માં ક્રિકેટમાંથી સન્યાસ લઈ ચુક્યા છે લાહિરુ થિરિમા
લાહિરુ થિરિમાનેએ વર્ષ 2022માં ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો હતો. તેણે તેની કારકિર્દીમાં 43 ટેસ્ટ મેચ રમી, જેમાં તેણે 2,080 રન બનાવ્યા. તેની કારકિર્દીમાં, તેણે 127 ODI મેચોમાં શ્રીલંકા તરફથી રમતા 3,194 રન બનાવ્યા હતા. તેણે પોતાની આખી કારકિર્દીમાં 7 સદી અને 31 અડધી સદી પણ રમી હતી.
હાલ તે લિજેન્ડ્સ ક્રિકેટ ટ્રોફી 2024માં ન્યૂયોર્ક સ્ટ્રાઈકર્સ તરફથી રમતા જોવા મળે છે. થિરિમાનેની ટીમ ન્યૂયોર્ક સ્ટ્રાઈકર્સ હાલમાં 4 મેચમાં 3 જીત નોંધાવ્યા બાદ 6 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે. શ્રીલંકાના દિગ્ગજ ખેલાડીએ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 4 મેચમાં 110 રન બનાવ્યા છે.