લોકડાઉન 3 - જાણો આજે ગુજરાતમાં ક્યા મળશે કેટલી છૂટ

Webdunia
સોમવાર, 4 મે 2020 (11:04 IST)
કોરોના વાઇરસને પગલે દેશભરમાં લાગુ કરાયેલું લૉકડાઉન બે સપ્તાહ માટે વધારી દેવાયું છે. રવિવારે ત્રીજી મેના દિવસે બીજા તબક્કાનું લૉકડાઉન પૂર્ણ થવાનું હતું, પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રાલયે જાહેરનામું બહાર પાડીને તેને વધુ 14 દિવસ માટે લંબાવી દીધું છે. ગુજરાત સરકારે પણ રાજ્યમાં કોરોનાના કેસ તથા કેન્દ્રીય માર્ગદર્શિકાને ધ્યાને લઈને નિયમોમાં ફેરફાર કર્યાં છે.
 
ગુજરાતમાં ક્યા અને કેટલી મળશે છૂટ 
 
સોમવારથી જ્યાં છુટછાટ આપવામાં આવી છે તેવા વિસ્તારો સહિત રાજ્યભરમાં નિયમોનુ ચૂસ્ત પાલન થાય તે ઉદ્દેશયથી શાકમાર્કેટ સહિતના વિસ્તારોમા કડક પોલીસ બંદોબસ્ત ખડકી દેવા જિલ્લા પોલીસ તંત્રને રાજ્ય પોલીસ વડાએ આદેશો જારી કર્યા છે. ત્રીજા તબક્કાના લોકડાઉનો આરંભ થાય તે પૂર્વે રવિવારે DGP શિવાનંદ ઝાએ કહ્યુ કે, રાત્રીના ૭થી સવારના ૭ સુધી નાગરીકોની અવરજવર ઉપર પ્રતિબંધ છે જ. હવે કન્ટેન્ટમેન્ટ એરિયા અને સુપર સ્પ્રેડર્સની શક્યતાવાળા શાકમાર્કેટ સહિતના જાહેર સ્થળોએ અવરજવર રોકવા કડક બંદોબસ્ત રહેશે,
 
ગુજરાતમાં સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 
 
ગુજરાતમાં કોરોનાગ્રસ્ત મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર તથા રાજકોટમાં દવા, દૂધ, અનાજ, શાકબાજી, કરિયાણાની દુકાનો ચાલુ રહેશે, આ સિવાય કોઈ છૂટછાટો આપવામાં નથી આવી.
 
આવા જ નિષેધાત્મક આદેશો બોટાદ, બોપલ, ખંભાત, બારેજા, ગોધરા અને ઉમરેઠમાં પણ લાગુ રહેશે.
 
જામનગર અને જૂનાગઢ મહાનગરપાલિકા તથા રાજ્યની 156 અન્ય નગરપાલિકામાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કનો ઉપયોગ તથા અન્ય શરતોને આધીન ઉદ્યોગોને ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
 
ઑરૅન્જ તથા ગ્રીન ઝોન હેઠળ આવતાં જિલ્લાઓમાં હૅરકટિંગ સલૂન, બ્યુટી-પાર્લર તથા ચા-કૉફીની દુકાનો ખોલી શકાશે. જો કે, સમગ્ર રાજ્યમાં ક્યાંય પણ પાન, બીડી-સિગારેટ, ગુટખા તથા દારૂનું વેચાણ કરતી દુકાનોને કોઈ છૂટ આપવામાં નથી આવી.
 
આ સિવાય ઑરૅન્જ તથા ગ્રીન ઝોનમાં એક ડ્રાઇવર તથા મહત્તમ બે મુસાફરની શરત સાથે કેબ અને ટૅક્સી સર્વિસને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
 
ગ્રીન ઝોન હેઠળ આવતાં જિલ્લામાં મહત્તમ 30 મુસાફર કે કુલ બેઠક ક્ષમતા કરતાં અડધા મુસાફરો સાથે સ્ટેટ ટ્રાન્સપૉર્ટની બસોને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
 
જો કોઈ કન્ડક્ટર કે ડ્રાઇવર દ્વારા તેનું ઉલ્લંઘન કરવામાં આવશે, તો તેમની સામે કાર્યવાહી કરવાની ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે.
 
ગૃહમંત્રાલયે જણાવ્યું છે કે અલગઅલગ ઝોનના આધારે કેટલીક જગ્યા પર પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. આ સંબંધમાં 16 પૉઇન્ટનું નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article