લૉકડાઉન બાદ 25 મેથી પસંદગીના રૂટ પર ડોમેસ્ટિક ફ્લાઇટો શરૂ કરવામાં આવી છે. ત્યારે બુધવારે ત્રીજા દિવસે અમદાવાદ એરપોર્ટથી શિડ્યુલ્ડ 90 ફ્લાઇટમાંથી 50 ટકાથી વધુ ફ્લાઈટોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જ્યારે બાકીની ફ્લાઇટો કેન્સલ કરવામાં આવી હતી. ગોએરની તમામ ફ્લાઈટો હાલ બંધ છે જે જૂનના પ્રથમ સપ્તાહમાં શરૂ થાય તેવી શક્યતા છે. વધુમાં ફ્લાઈટ પકડવા એરપોર્ટ આવતા તમામ લોકોનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કેટલાક લોકોનું ટેમ્પરેચર વધુ આવતા તેમને બેસાડી દેવામાં આવ્યા હતા. જોકે 15 મિનિટ સુધી બેસી રહ્યા બાદ ફરીથી તેમનું ટેમ્પરેચર ચેક કરતા નોર્મલ થયા બાદ તેમને આગળની મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી હતી. દેશમાં હજુ પણ લોકડાઉનની સ્થિતિ હોવાથી પેસેન્જરો પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે જેના પગલે અમદાવાદથી સંચાલિત ફ્લાઇટોમાં પેસેન્જરોની સંખ્યા ખૂબજ ઓછી જોવા મળી રહી છે.