બેકાબુ વાયરસઃ ગુજરાતમાં કોરોનાના છેલ્લાં 10 હજાર કેસ 11 દિવસમાં નોંધાયા

Webdunia
સોમવાર, 27 જુલાઈ 2020 (13:04 IST)
ગુજરાતમાં હવે કોરોના સંક્રમણ તેના પીક તરફ ખૂબ ઝડપથી ગતિ કરી રહ્યું છે. છેલ્લાં અગિયાર દિવસમાં જ ગુજરાતમાં દસ હજારથી વધુ કેસ નોંધાયા છે અને કુલ આંકડો પંચાવન હજારને પાર કરી ગયો છે. પ્રથમ દસ હજાર કેસ નોંધાતા ગુજરાતમાં 51 દિવસ લાગ્યાં હતાં. આમ હવે સંક્રમણની ઝડપ કોરોનાના શરુઆતના તબક્કા કરતાં પાંચ ગણી વધી છે તેમ કહી શકાય. રવિવારે ગુજરાતમાં 1,110 નવા કેસ નોંધાતા હવે કુલ સંખ્યાની સંખ્યા 55,822 છે. જેની સામે અમદાવાદમાં હાલ સંક્રમણની ઝડપ ઘટી છે. કેન્દ્રીય નિષ્ણાંતોએ જેમ કહ્યું કે અમદાવાદ કોરોનાના સર્વોચ્ચ સંખ્યાના કેસની સપાટીને પાર કરી સંક્રમણ ઘટવાની દિશામાં છે અને હાલનો આંકડો તે દર્શાવે છે. શહેરમાં છેલ્લાં પાંચ હજાર કેસ નોંધાતા એક મહિના જેટલો સમય લાગ્યો જ્યારે તેની અગાઉના પાંચ હજાર કેસ માત્ર પંદર દિવસમાં જ નોંધાઇ ગયા હતા. અર્થાત તે પખવાડિયા દરમિયાન જ અમદાવાદમાં કોરોનાના કેસનો પીક આવી ગયો અને ત્યારબાદ છેલ્લાં એક મહિનાથી કેસ ઘટાડા તરફ છે. છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં 21 કોરોના દર્દીઓના મૃત્યુ નોંધાતા હવે રાજ્યમાં કુલ મોતનો આંક 2,326 થયો છે. હાલ ગુજરાતમાં મૃત્યુદર 4.21 ટકા છે. રવિવારે નોંધાયેલા મૃત્યુના કેસમાં સૂરત શહેરમાં સાત, સૂરત ગ્રામ્યમાં 5, અમદાવાદ શહેરમાં ત્રણ, જ્યારે ગાંધીનગર, જામનગર શહેર, મોરબી, રાજકોટ, વડોદરા શહેર અને વડોદરા ગ્રામ્યમાં 1-1 કેસ નોંધાયા છે. આ સાથે 753 લોકોને ડિસ્ચાર્જ અપાતાં હવે કોરોના સંક્રમણ લાગ્યા બાદ રીકવર થયેલાં દર્દીઓની સંખ્યા ગુજરાતમાં 40,365 પર પહોંચી છે, જે 72.59 ટકાનો રીકવરી રેટ દર્શાવે છે. ગુજરાત સરકારના દાવા પ્રમાણે રવિવારે 21,708 લોકોના સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી અને અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા 6.42 લાખ છે. અત્યાર સુધીમાં દર દસ લાખની વસ્તીએ 9,456 લોકોના સેમ્પલ ટેસ્ટ કરાયા છે જ્યારે રવિવારે કરાયેલાં ટેસ્ટની સંખ્યા જોઇએ તો દર દસ લાખની વસ્તીએ એક જ દિવસમાં 334 વ્યક્તિઓના સેમ્પલ ચકાસાયાં હતાં. હાલ ગુજરાતમાં 3.64 લાખ લોકો ક્વોરન્ટાઇન છે જ્યારે 85 દર્દીઓની હાલત નાજૂક હોઇ તેઓ વેન્ટિલેટર પર છે.

સંબંધિત સમાચાર

Next Article