દહેગામમા લોકડાઉનની ઐસી તૈસી, શાકભાજી લેવા લોકોનું કીડીયારુ ઊભરાયું

Webdunia
બુધવાર, 15 એપ્રિલ 2020 (17:43 IST)
દેશમાં લોકડાઉનનો સમયગાળો વધારવામાં આવ્યો છે. પોલીસ અને તંત્ર દ્વારા ખડે પગે કામગીરી કરવામાં આવી છે. તેમ છતાં નાગરિકો કોરોના વાયરસને ગણકારતા ના હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દહેગામ શહેરમાં આવેલા શાકમાર્કેટમાં શહેરવાસીઓ અને અન્ય શહેરોમાંથી આવતા લોકો દ્વારા લોકડાઉનની ઐસી તૈસી કરવામાં આવી રહી છે. આજે શાકમાર્કેટ વાળા રસ્તે ટ્રાફિક જામ અને લોકોનું કીડિયારું ઊભરાયું હોય તેવું જોવા મળતું હતું.
લોકડાઉન દરમિયાન નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓ માટે છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ હજુ પણ સોશિયલ ડીસ્ટન્સનો દહેગામ શહેરમાં અભાવ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે દહેગામના શાકમાર્કેટમાં જાણે લોકડાઉન હોય જ નહીં તેવા દ્રશ્યો જોવા મળતા હતા. બીજી તરફ માત્ર હોમ ગાર્ડ દ્વારા નિયમોનું પાલન કરાવવામાં આવતું હોય તેવું જોવા મળતો હતો સામાન્ય રીતે નાગરિકે સ્વયં શિસ્ત બતાવવાની જરૂર છે. પરંતુ આ લોકો અમરપાટો લઈને આવ્યા હોય કેવી રીતે શાકમાર્કેટમાં રખડતા જોવા મળતા હતા.
દહેગામ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ ઠોસ વ્યવસ્થા કરવામાં આવી હોય એવું જોવા મળતું નથી. મોટાભાગે લોકો ઝૂંડમાં જોવા મળતા હતા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદના જમાલપુર શાકમાર્કેટને બંધ કરવામાં આવ્યો હોવાના કારણે મોટાભાગના અમદાવાદી વેપારીઓ ગાંધીનગર જિલ્લાના માર્કેટ તરફ વળ્યા છે.
તેને લઈને આજે ગામ શાકમાર્કેટમાં તમામ લારીઓ નજીક નજીક જોવા મળતી હતી. કેટલાક લોકો એવા પણ હતા જેના મોઢા ઉપર માસ્ક લગાવેલું જોવા મળતું ન હતું. ત્યારે સવાલએ થઈ રહ્યો છે કે આવી કપરી પરિસ્થિતિમાં દહેગામ નગરપાલિકા તંત્ર શું કરી રહ્યું છે ? શા માટે જવાબદારી પૂર્વક કામગીરી કરવામાં આવતી નથી ?. ગાંધીનગર જિલ્લામાં માણસા અને દહેગામ તાલુકો કોરોના પોઝિટિવના સંપર્કમાં આવ્યો નથી, ત્યારે શું તંત્ર તેની રાહ જુએ છે ?

સંબંધિત સમાચાર

Next Article