રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, માછીમારોને દરિયો ખેડવાની આપી છૂટ

Webdunia
રવિવાર, 12 એપ્રિલ 2020 (21:31 IST)
હાલની લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના સાગરખેડૂ-માછીમાર પરિવારોને આર્થિક આધાર રૂપ મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિથી આવક મળી રહે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે સંવેદનશીલ નિર્ણય કર્યો છે. કોરોના વાયરસ – કોવિડ-19 ની સ્થિતીને કારણે જાહેર થયેલા લોકડાઉનને પગલે રાજ્યના માછીમારો-સાગરખેડૂઓને દરિયામાં જવા પર-દરિયો ખેડવા પરનો અગાઉ લાદેલો પ્રતિબંધ હવે રાજ્ય સરકારે દૂર કર્યો છે. આ નિર્ણયને પરિણામે રાજ્યમાં મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા લાખો સાગરખેડૂ-માછીમાર પરિવારોને પોતાના પારંપારિક વ્યવસાય દ્વારા પૂન: રોજગારી-આવક મળતી થશે. 
 
અશ્વિનીકુમારે રાજ્ય સરકારના આ નિર્ણયની ભૂમિકા આપતાં જણાવ્યું કે, રાજ્યના સાગરખેડૂ-માછીમાર ભાઇઓ હવે પોતાના વ્યવસાય માટે દરિયામાં જઇ શકશે. આ હેતુસર તેમને ટોકન ઇસ્યુ કરવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. આવા સાગરખેડૂ ભાઇઓને માછલી-ઝિંગા પકડવા તેમજ માછીમારીના વ્યવસાયને આનુષાંગિક એવા પ્રોસેસિંગ, પેકેજીંગ, કોલ્ડ ચેઇન મેઇન્ટેનન્સ અને ટ્રાન્સપોર્ટેશનની બાબતો માટેનો પ્રતિબંધ રાજ્ય સરકારે હટાવી લીધો છે. આ પ્રતિબંધ હટી જવાથી સાગરખેડૂ પરિવારો પૂન: પોતાના વ્યવસાય થકી આર્થિક આધાર મેળવતા થશે અને મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિ ફરી ધમધમતી થશે. 
 
મુખ્યમંત્રીએ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં રાજ્યની ૪ લાખ ૪૩ હજાર જેટલી ગંગા સ્વરૂપા માતા-બહેનોને આર્થિક સહાય માટેનો પણ એક સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે.ભારત સરકારે આવી ગંગા સ્વરૂપા માતા-બહેનોને પ્રવર્તમાન સ્થિતીમાં એપ્રિલ-મે-ર૦ર૦ એમ બે મહિના માટે પ્રતિમાસ રૂ.પ૦૦ પ્રમાણે ૧૦૦૦ની એકસગ્રેશિયા વધારાની સહાયની જાહેરાત કરી છે. રાજ્યમાં BPL –ગરીબી રેખા નીચે નિર્વાહ કરતી આવી ૯૭૪૭૪ ગંગા સ્વરૂપા માતા-બહેનોને આ વધારાની સહાયનો લાભ ભારત સરકાર તરફથી મળવાનો છે.
 
ગંગા સ્વરૂપા માતા-બહેનો પ્રત્યે વધુ સંવેદના દર્શાવતા એવો નિર્ણય કર્યો છે કે રાજ્યમાં BPL ગરીબી રેખા નીચે નિર્વાહ કરતી ગંગા-સ્વરૂપા માતા-બહેનો સિવાયની ૩ લાખ ૪૬ હજાર ૪૧૭ ગંગા સ્વરૂપા માતા-બહેનોને ભારત સરકારના ધોરણે જ એટલે કે એપ્રિલ-મે માસ માટે પ્રતિમાસ રૂ. પ૦૦ પ્રમાણે રૂ. ૧૦૦૦ એકસગ્રેશિયા વધારાની સહાય રાજ્ય સરકાર આપશે. રાજ્ય સરકારને આના પરિણામે વધારાના રૂ. ૩૪.૬૪ કરોડનો બોજ વહન કરવાનો વારો આવશે.
 
રાજ્યની ૪ લાખ ૪૩ હજાર ૮૯૧ ગંગા-સ્વરૂપા માતા-બહેનોને હાલની સ્થિતીમાં કેન્દ્ર સરકારના કુલ રૂ. ૯ કરોડ ૭૪ લાખ અને રાજ્ય સરકારના રૂ. ૩૪.૬૪ કરોડ મળીને સમગ્રતયા રૂ. ૪૪ કરોડ ૩૯ લાખની સહાય તેમના જીવનનિર્વાહની સરળતા માટે મળશે. રાજ્યમાં હાલની લોકડાઉનની સ્થિતીમાં સૌ નાગરિકો-જરૂરતમંદોને અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો નિયમીત અને સરળતાએ મળી રહે તેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે. તેમણે આવી ચીજવસ્તુઓની હેરફેર કે લોકો સુધી પહોચાડવામાં કોઇ પણ જાતની ગેરરીતિઓ ચલાવી ન લેવા તંત્રવાહકોને સ્પષ્ટ સૂચનાઓ પણ આપેલી છે.
 
રાજ્ય સરકારે સતર્કતા દાખવીને તાજેતરમાં સાબરકાંઠાના એક ગામમાં આવું સરકારી અનાજ અન્યત્ર લઇ જવા માટે ટ્રકમાં માલ-ફેરબદલની ઘટના સામે લાલ આંખ કરીને તેમાં સંડોવાયેલા ૭ વ્યકિતઓ સામે કાળાબજાર નિયંત્રણ ધારા અંતર્ગત કડક કાર્યવાહી કરી છે. આ સાતેય વ્યકિતઓને PBM Act અન્વયે રાજ્યની જુદી જુદી જિલ્લા જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, લોકડાઉનના સમયગાળા દરમ્યાન કોઇ પણ ઊદ્યોગ-વેપારી એકમો, કોન્ટ્રાકટર્સ, કારખાના ધારકો પોતાના કર્મચારીઓ-શ્રમિકોને છૂટા ન કરી શકે તેમજ વેતન પણ કાપી ન શકે તેવી ખાસ સૂચનાઓ શ્રમ રોજગાર વિભાગને આપેલી છે.
 
રાજ્યના આવા ઊદ્યોગ, વેપારી એકમો, કોન્ટ્રાકટર્સ કારખાના ધારકોને તેમના કર્મચારીઓના પગાર ચૂકવવા સહિતની બાબતો માટે જિલ્લા કક્ષાએથી ૧૦૩પ૮ કોલ્સ ૧૮૦૦૦થી વધુ ઇમેઇલ અને વોટ્સેપ કરવામાં આવ્યા છે. ર૦ર૧૪ એકમોએ તેમના કુલ ૭ લાખ ૩૮ હજાર જેટલા કામદારો-કર્મચારીઓને ૧ર૬૯ કરોડ રૂપિયા ચૂકવ્યા છે.
 
આ હેતુસર જિલ્લા કક્ષાએ રજૂઆત માટે ૧૦૭૭ હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે તેમાં ૪ એપ્રિલથી ૧૦ એપ્રિલના સમયગાળા દરમ્યાન ૩૩૭ જેટલી ફરિયાદો-રજુઆતો મળી હતી તેમાંથી ર૧૬નું નિવારણ થઇ ગયું છે. ૧ર૧ જેટલી ફરિયાદોનું નિવારણ પણ બે દિવસમાં થઇ જશે. રાજ્યના ઊદ્યોગ એકમો-વેપારી એકમો-કોન્ટ્રાકટર્સના કર્મયોગીઓની આવી રજુઆતો સાંભળવા અને યોગ્ય કાર્યવાહી કરવા રાજ્યના શ્રમ રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ત્રણ વરિષ્ઠ અધિકારીઓની એક સમિતી બનાવવામાં આવી છે.
 
રાજ્યમાં લોકડાઉનના અઢારમાં દિવસે જીવનજરૂરી ચીજવસ્તુઓના પુરવઠાની વિગતો આપતાં મુખ્યમંત્રીશ્રીના સચિવે કહ્યું કે, શનિવારે સમગ્ર રાજ્યમાં ૪પ.૯૪ લાખ લીટર દૂધનું વિતરણ થયું છે. ૧ લાખ પાંચ હજાર ૮૪૪ કવીન્ટલ શાકભાજીનો આવરો થયો છે તેમાં રરર૦પ કવીન્ટલ બટાટા, ૩૪રર૮ કવીન્ટલ ડુંગળી, ૭૭૬પ કવીન્ટલ ટમેટા અને ૪૧૬૪૪ કવીન્ટલ લીલા શાકભાજી માર્કેટમાં આવ્યા છે. કુલ ૧૯૩૬પ કવીન્ટલ ફળફળાદિની પણ રાજ્યમાં આવક થઇ છે.
 
નિરાધાર, નિ:સહાય, જરૂરતમંદ વ્યકિતઓને પ્રવર્તમાન સ્થિતીમાં બે ટાઇમ પૂરતું ભોજન મળી રહે તેવા ઉદાત્ત ભાવથી સેવા સંગઠનો અને જિલ્લાતંત્રોએ કુલ ૮૯ લાખ ૬૦ હજાર ફૂડપેકેટસ વિતરણ કર્યા છે. આવશ્યક સેવાઓ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના પુરવઠામાં મદદ માટેની હેલ્પલાઇનમાં ૧૦૭૦ પર ગઇકાલે ર૩૧ અને જિલ્લા હેલ્પલાઇન ૧૦૭૭ ઉપર ૧પપપ કોલ્સ મળ્યા છે અને સ્થાનિક સત્તા તંત્રવાહકોને તેના યોગ્ય નિવારણના પગલાં પણ લીધા છે. અશ્વિનીકુમારે રાજ્ય સરકાર વતી દરેક નાગરિકોને અનુરોધ કર્યો કે કોરોના વાયરસના સંક્રમણનો વ્યાપ વધતો અટકાવવા સૌ કોઇ લોકડાઉનના નિયમોનું ચુસ્તપણે પાલન કરે અને ઘરમાં જ રહે, સુરક્ષિત રહે તે સૌના હિતમાં છે.

સંબંધિત સમાચાર

Next Article