અમદાવાદ ગ્રામ્ય તથા બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડને પગલે 31 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 40થી વધુ લોકો સારવાર હેઠળ છે.
ગુજરાત સરકાર દ્વારા આ કેસમાં તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી છે. કૉંગ્રેસ તથા આમ આદમી પાર્ટીએ 'નૈતિકતાના આધારે' ભૂપેન્દ્ર પટેલ સરકારનું રાજીનામું માગ્યું છે.
લઠ્ઠાકાંડને કારણે અનેક મહિલાઓનાં ઘરમાં માતમ છે. રક્ષાબંધન પહેલાં બહેનોએ ભાઈ ગુમાવ્યાં છે તો નાનાં બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
આ ઘટનાને પગલે ગુજરાતનાં અન્ય શહેરોમાં પણ પોલીસ સક્રિય બની છે અને દારૂના વેંચાણના અડ્ડા, સ્ટૅન્ડ તથા બુટલેગરો પર રેડ કરી છે. જેમાં અમદાવાદમાં દેશી દારૂના વેચાણનું હબ ગણાતો કંટોડિયા વાસ વિસ્તાર પણ સામેલ છે.
આ પ્રથમ વખત નથી કે લઠ્ઠાકાંડમાં ગુજરાતમાં લોકોના જીવ ગયા હોય. 13 વર્ષ પહેલાં જુલાઈ-2009માં કંટોડિયા વાસના એક અડ્ડા પરથી પ્યાસીઓએ દેશી દારૂ પીધો હતો, જે ઝેરી પુરવાર થયો હતો. જેમાં 140 કરતાં લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 200 જેટલા લોકોને અસર પહોંચી હતી. કેટલાકે તેમની દૃષ્ટિ પણ ગુમાવી હતી.
એ સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા, જ્યારે અમિત શાહ રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હતા.
2009નો એ લઠ્ઠાકાંડ જેમાં.
તા. સાતમી જુલાઈની (2009) સાંજે અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં અચાનક જ રસ્તા ઉપર લોકો બેભાનાવસ્થામાંથી મળી રહ્યાં હોવાના અહેવાલ આવવા લાગ્યા હતા, તો કેટલાક લોકોને પરિવારજનો કે નિકટના મિત્રો હૉસ્પિટલે લઈને પહોંચ્યા હતા.
પહેલાં તો પરિવારજનોને લાગ્યું હતું કે વધુ પડતો પીવાય ગયો હશે અથવા તો બીજી કોઈ બીમારી થઈ હશે. ઉપરાંત દારૂના સેવનનો મુદ્દો હોવાથી પહેલાં તો લોકોએ ઘરગથ્થું ઉપચાર કર્યા હતા, પરંતુ તે કારગર નિવડ્યા ન હતા.
પેટમાં દુખાવો, ઉલ્ટી શ્વાસલેવામાં તકલીફ તથા બેભાન થઈ જવાને કારણે લોકો સરકારી તથા ખાનગી હૉસ્પિટલોમાં લઈ ગયા હતા. અનેક કિસ્સામાં પરિવારજનો દ્વારા ફરજ પરના તબીબોને બીમાર પડવાનું ખરું કારણ જણાવ્યું ન હતું, જેના કારણે પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
અહેવાલો અનુસાર દરદીઓના દાખલ થવાનો આ ક્રમ સતત બે દિવસ સુધી ચાલ્યો હતો. એક વખત દારૂનું કારણ બહાર આવતાં તબીબો દ્વારા અનુરૂપ સારવાર શરૂ કરવામાં આવી હતી.
પોલીસની તવાઈ ઉતરવાને કારણે વ્યસનીઓને દારૂ મળવો મુશ્કેલ બની રહ્યો હતો. બીજી બાજુ, હૉસ્પિટલમાં સારવાર દરમિયાન વિદેશી શરાબ આપવામાં આવે છે, એવી ચર્ચાને પગલે તથા ભયને કારણે અનેક વ્યસનીઓ હૉસ્પિટલોમાં દાખલ થઈ ગયા હતા, જેણે આરોગ્યવ્યવસ્થા ઉપર ભારણ ઊભું કર્યું હતું.
થોડા સમયમાં એ સ્પષ્ટ થઈ ગયું હતું કે બધા કેસોમાં કૉમન કડી ગેરકાયદેસર શરાબનો બુટલેગર હતો, જેણે દારૂની સાથે મિથેનૉલ ભેળવ્યું હતું.
મિથેનૉલ
તાજેતરના લઠ્ઠાકાંડમાં પણ મિથેનૉલ જવાબદાર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, જે કથિત રીતે ગેરકાયદેસર ઢબે મળવવામાં આવ્યું હતું. મિથેનૉલના ઉત્પાદન, હેરફેર તથા વેચાણની દરેક પ્રક્રિયા માટેના નિયમો છે તથા અલગ-અલગ પરવાના છે. છતાં તે ગેરકાયદેસર રીતે બૂટલેગરો સુધી પગ કરી જાય છે.
આ એક પારદર્શક ગંધયુક્ત ઝેરી પ્રવાહી છે. જેનો નાનો અમથો હિસ્સો પણ શરીર અને મગજ ઉપર નકારાત્મક અસર કરી શકે છે.
2009ના લઠ્ઠાકાંડના પીડિતોના લોહીના નમૂનાની તપાસ ગાંધીનગર ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી દ્વારા કરવામાં આવી હતી, જેમાં મિથેનૉલની હાજરીના પુરાવા મળ્યા હતા.
2009ના મહેતા પંચે મિથેનૉલ જેવા કૅમિકલના વેચાણ ઉપર નિયંત્રણ રાખવાની હિમાયત કરી હતી. આ રિપોર્ટને વિધાનસભામાં ટેબલ કરવા માટે પણ કેટલાક લોકોએ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા હતા. એ પછી રિપોર્ટ રજૂ થયો હતો.
શરાબીઓ દ્વારા કાયદાનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે શરાબનું સેવન કરવામાં આવ્યું હતું, એટલે રાજ્ય સરકાર દ્વારા તેમને કોઈ વળતરની જાહેરાત કરવામાં આવી ન હતી.
એક સમયે ભારતના 'લિકરકિંગ' તરીકે ઓળખાતા વિજય માલ્યના જીવન પરના પુસ્તક 'ધ કિંગ ઑફ ગુડ ટાઇમ્સ'માં (પેજ નંબર 105) પણ વર્ષ 2009ના લઠ્ઠાકાંડનો ઉલ્લેખ જોવા મળે છે. હરીશ માયા લખે છે : 'ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી અને દારૂબંધી તથા શરાબ અંગે જવાબદાર નીતિ ઘડવાની હિમાયત કરી હતી. બેજવાબદાર શાસકપક્ષે માલ્યાની ટિપ્પણી તથા ટ્રૅજડી સામે આંખ આડા કાન કર્યા હતા.'
'ડૉ. માલ્યાને લાગે છે કે ગુજરાતના રાજકારણમાં દંભ પ્રવર્તે છે. રાજનેતાઓને લોકોના આરોગ્યની જરાપણ ચિંતા નથી અને માત્ર મતોની જ પડી છે.....સરેરાશ કરતાં ઓછા રાજનેતાઓએ મતોના બદલે લોકો તથા દેશને માટે જે સારું હોય તે કરવું જોઈએ.'
'એ દૃશ્યો ક્યારેય નહીં ભૂલાય'
વરિષ્ઠ ફોટોજર્નાલિસ્ટ કલ્પિત ભચેચએ ઘટનાક્રમને યાદ કરતા કહે છે, "અમદાવાદમાં દેશી દારૂનું હબ ગણાતો કંટોડિયા વાસએ લઠ્ઠાકાંડનું ઍપિસેન્ટર હતો. જે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના હદવિસ્તારમાં આવતો. ક્યાં દારૂ વેંચાય છે અને કોણ વેંચે છે એ બધું 'ઑપન સિક્રેટ' હતું."
"ત્યાં મ્યુનિસિપલ કૉર્પોરેશન સંચાલિત એક સ્કૂલ આવેલી હતી, જે સાંજ પડ્યે 'ઑપન બાર' બની જતી હતી. દારૂ ખરીદીને વ્યસનીઓ ત્યાં પોટલીઓ ફેંકી દેતાં. શાળાના માસૂમ ભૂલકાંઓને દરરોજ સવારે એ કોથળીઓનો ઢગલો જોવાનો થતો."
ભચેચ કહે છે કે તાજેતરના ઘટનાક્રમે એ જૂના દૃશ્યો માનસપટ પર તાજાં કરી દીધાં. લગભગ એક અઠવાડિયા સુધી લોકોએ પોલીસ વિરુદ્ધ દેખાવો કર્યા હતા અને કેટલાક સ્થળોએ જનતા રેડ કરી હતી.પોલીસ દ્વારા એ દેખાવોને ડામી દેવા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી.
ભચેચ કહે છે, "અનેક બહેનોએ પતિ ગુમાવ્યા હતા. તેમણે ધરણાંપ્રદર્શન કર્યાં હતાં અને પિતાની છત્રછાયા ગુમાવનારાં બાળકો પણ તેમાં જોડાયાં હતાં. એક બહેને હાથ જોડીને પોલીસને આજીજી કરી હતી કે 'મહેરબાની કરીને દારૂબંધીનો કડક અમલ કરાવો.' લઠ્ઠાકાંડની ઘટના ઘટે એટલે એ બહેની વ્યથા અને અવાજની લાચારી કાનમાં પડઘાયા વગર રહેતી નથી."
રાયપુર, બહેરામપુરા, બાપુનગર અને મણિનગર વિસ્તારમાં અનેક લોકોએ પરિવારજન ગુમાવ્યા હતા. વિપક્ષ કૉંગ્રેસ તથા લોકોએ તત્કાલીન ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માગ કરી હતી.
ગેરકાયદેસર દારૂના વેપારમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓનો દબદબો રહ્યો છે. 'ભાભી' કે 'માસી' જેવા નામોથી ઓળખાતાં મહિલા દારૂના ગેરકાયદેસર વેપાર અને તેની ઇકૉનૉમી પર ખાસ્સું નિયંત્રણ ધરાવે છે.
ગુજરાત, દારૂ અને દારૂબંધી
અંગ્રેજ સરકાર દ્વારા આવક મેળવવા માટે દારૂ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, ત્યારે મહુડાને પણ તેમાં સામેલ કરવામાં આવ્યો હતો.
આઝાદી પૂર્વે અંગ્રેજ સરકાર દ્વારા બૉમ્બે પ્રેસિડન્સીની ચૂંટણી યોજાઈ ત્યારે દારૂબંધીને કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં સામેલ કરવામાં આવ્યો હતો, જેનો અમલ પણ થયો હતો.
1960માં ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયાં ત્યારે મહારાષ્ટ્રે દારૂબંધીને નકારી કાઢી હતી, પરંતુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી લાદવામાં આવી હતી. ગુજરાત સિવાય તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, હરિયાણા અને બિહારમાં સમયાંતરે દારૂબંધીના પ્રયાસ થયા છે. ગુજરાત ઉપરાંત માત્ર બિહારમાં જ દીર્ઘકાલીન શરાબબંધીને સફળતા મળવા પામી છે.
ગુજરાતમાં શરાબબંધી હોવાને કારણે જ લઠ્ઠાકાંડ થાય છે એવું નથી. તાજેતરના વર્ષોમાં ઉત્તર પ્રદેશ, આસામ, મહારાષ્ટ્ર તથા તામિલનાડુમાં લઠ્ઠાકાંડ થયા છે.
2009ના લઠ્ઠાકાંડ પછી તત્કાલીન નરેન્દ્ર મોદી સરકારે દારૂબંધીના કાયદાને વધુ કડક બનાવ્યો હતો. ગેરકાયદેસર રીતે દારૂ ગાળનારને કારણે જો પીનારનું મૃત્યુ થાય તો મૃત્યુદંડની પણ જોગવાઈ કરવામાં આવી હતી. જોકે, તેનો અસરકારક અમલ નથી થવા પામ્યો.
2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં બે ઘટનાઓ ઘટી હતી. રૂપાણીએ પદભાર સંભાળ્યો તેના થોડા જ સમયમાં સુરતમાં લઠ્ઠાકાંડ થયો હતો, જેમાં 20થી વધુ લોકોએ પ્રાણ ગુમાવ્યા હતા. આ સિવાય 'ઠાકોર સેના'ના માધ્યમથી અલ્પેશ ઠાકોરે (હવે ભાજપમાં) દારૂના અડ્ડાઓ ઉપર જનતા રેડ શરૂ કરી હતી.
રાજકીય મજબૂરી તથા જનતાના દબાણને કારણે દારૂના સંગ્રહથી લઈને હેરફેર માટે દંડ તથા સજાની જોગવાઈઓમાં વધારો કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં મુખ્યત્વે ત્રણ પ્રકારે ગેરકાયદેસર દારૂ પીવાય છે, જેમાં ઉચ્ચવર્ગ આઈએમએફએલ (ઇન્ડિયન-મૅડ ફોરેન લિકર) અથવા વિદેશી શરાબ પીવે છે, જેમાં મુખ્યત્વે બિયર, વ્હિસ્કી, જીન વગેરેનો સમાવેશ થાય છે. દીવ, દમણ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાંથી આ શરાબ ગુજરાતમાં ઠલવાય છે.
બીજા પ્રકારમાં મહુડો છે, જે ગુજરાતના આદિવાસી સમાજના ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમો અને અનુષ્ઠાનોનો ભાગ છે.
ત્રીજા પ્રકારમાં દેશી દારૂ છે. આર્થિક અને સમાજિક રીતે સંપન્ન ન હોય તેવો વર્ગ આ પ્રકારની શરાબનું સેવન કરે છે. જેમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ ગાળવામાં આવે છે. ઘણીવખત નફો વધુ મેળવવા અથવા તો વધુ તેજ બનાવવા માટે કૅમિકલ ભેળવવામાં આવે છે, એટલે જ સામાન્યતઃ દેશી દારૂ લઠ્ઠાકાંડને નોતરે છે.
ગુજરાતમાં દરરોજ સરેરાશે રૂ. 34 લાખની કિંમતનો દારૂ પકડાય છે. (માર્ચ-2021ની સ્થિતિ પ્રમાણે) જ્યારે કાયદેસરના દારૂના વેચાણમાંથી સરકારને વાર્ષિક સરેરાશ રૂ. છ કરોડની આવક થાય છે.
દારૂબંધીને કારણે રાજ્યસરકારે આબકારી જકાત પેટે થતી આવક ગુમાવવી પડે છે. ગેરકાયદેસર વેચાણને કારણે કાળાનાણાનું જાળું ઊભું થાય છે. દારૂબંધીના અમલ માટે પોલીસ તથા ન્યાયતંત્ર ઉપર ભારણ વધે છે, જેથી તેને હઠાવી દેવાની માગ થતી રહે છે. જ્યારે એક વર્ગ માને છે કે તેના કારણે ગુજરાતમાં 'શાંતિ અને સૌહાર્દ'નું વાતાવરણ જળવાય રહે છે, એટલે દારૂબંધી લાગુ રહેવી જોઈએ.
ગુજરાતમાં આ પહેલાં સુરત, અમદાવાદ, વડોદરા અને વેરાવળમાં લઠ્ઠાકાંડ થઈ ગયા છે, જેમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. 1966માં ભારત સરકાર દ્વારા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસ ટેક ચંદની અધ્યક્ષતામાં દારૂબંધીનો સર્વાંગી અભ્યાસ કરવામાં આવ્યું હતું. તેમણે નોંધ્યું (પેજ નંબર 160) હતું :
'જો લોકમત જાગૃત હોય અને કડકાઈથી અમલવારી કરવામાં આવે તો ગેરકાયદેસર શરાબનું વેચાણ અટકાવી શકાય. રાજનેતાઓને કોઈ ફેર પડતો નથી, જનતા ઉદાસીન છે તથા પોલીસના ભ્રષ્ટાચારને કારણે તસ્કર નિશ્ચિત હોય છે. તે પોલીસને થાપ આપવાની બદલે નફાનો એક હિસ્સોતેમને પણ આપે છે. સંગઠિત ગુનાખોરી અને ભ્રષ્ટ તંત્ર આ બેવડાં દૂષણની સામે સતત અને સાતત્યપૂર્ણ અભિયાન ચલાવવાની જરૂર છે.'
આ વાત ગુજરાતમાં 2009માં પણ સાચી હતી અને 2022માં પણ સાચી જ છે.