રાષ્ટ્રપતિના આદેશની સાથે જ હવે કલમ 370 નાબૂદ થઈ ગઈ છે અને જમ્મુ-કાશ્મીરનું વિભાજન કરી દેવામાં આવ્યું છે.
આ સાથે જ જમ્મુ-કાશ્મીરને મળતો વિશેષ દરજ્જો પણ હટી ગયો છે અને જમ્મુ-કાશ્મીર પાસે હવે રાજ્યનો દરજ્જો પણ રહ્યો નથી.
જમ્મુ-કાશ્મીરને ત્રણ ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે. તેમાંથી લદાખને અલગ કરી દેવામાં આવ્યું છે અને જમ્મુ-કાશ્મીરને એક સાથે રાખવામાં આવ્યાં છે.
જોકે, હવે જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે. સાથે જ લદાખને પણ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા હશે પરંતુ લદાખમાં વિધાનસભા નહીં હોય.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ પાકિસ્તાનની એક સમાચાર ચૅનલ દુનિયા ન્યૂઝને કહ્યું કે ભારત એક ખતરનાક રમત રમી રહ્યું છે જે ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા માટે ગંભીર પરિણામ લાવશે.
તેમણે કહ્યું, પાકિસ્તાનના વડા પ્રધાન અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે આ બાબતે સમાધાન શોધવામાં મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ ભારતે આજે આ મુદ્દાને વધારે ગૂંચવી નાખ્યો છે.
તેમના કહેવા મુજબ પાકિસ્તાન આ મુશ્કેલ સમયમાં કાશ્મીરી ભાઈઓ સાથે ઊભું છે અને તેમને ક્યારેય એકલા નહીં છોડી દે. અમે રાજનીતિક અને કૂટનીતિક રીતે કાશ્મીરીઓને સમર્થન આપતા રહીશું. હું આંતરરાષ્ટ્રીય મુસ્લિમ સમુદાયને ભારતની નિંદા કરવા માટે કહીશ.