વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતે અવકાશમાં એક સેટેલાઇટને તોડી પાડવાની જાહેરાત કરી તેનાં પર અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એન્ટિ સેટેલાઇટ મિશન શક્તિના સફળ પરીક્ષણની જાહેરાત કરી છે અને તેની ચૂંટણીપંચ તેની તપાસ કરશે તેવું નિવેદનમાં જાણવા મળે છે.
ચૂંટણીપંચે જણાવ્યું છે કે વડા પ્રધાન દ્વારા દેશનો સંબોધવાની ઘટના અંગે પંચનું ધ્યાન દોરવામાં આવ્યુ છે. આ અંગે આચારસંહિતાનો ભંગ થયો છે કે નહીં તેની તાત્કાલિક તપાસ કરવાનો અધિકારીઓની સમિતિને નિર્દેશ આપવામાં આવ્યો છે.
ભારતીય ચૂંટણીપંચના અધિકૃત પ્રવક્તા શૅફાલી શરણે આ અંગે ટ્ટીટ કરીને માહિતી આપી છે.
ઉલ્લેખનીય છે કે અનેક પક્ષોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મિશન શકિતની સફળતા અંગેના રાષ્ટ્રજોગ નિવેદનને ચૂંટણી આચાર સંહિતાનો ભંગ ગણાવ્યું છે અને તપાસની માગ કરી છે.
મમતા અને સીપીઆઈની ફરિયાદ
નરેન્દ્ર મોદીની જાહેરાત પર પ્રતિક્રિયા આપતાં પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું કે નરેન્દ્ર મોદીને ચૂંટણી ટાણે ક્રેડિટ લેવા માટે આમ ચૂંટણી આચારસંહિતા ભંગ કરવાની શું જરુર હતી શું? એમણે ત્યાં કામ કર્યુ છે? તેઓ સ્પેસમાં જવાના છે?
મમતા બેનરજીએ કહ્યું કે મિશન શક્તિ એ રાજકીય જાહેરાત છે. આનો શ્રેય વિજ્ઞાનીઓને જાય છે તો એમણે તેની જાહેરાત કરવી જોઇએ. મમતા બેનરજીએ આ અંગે તેઓ ચૂંટણીપંચને ફરિયાદ કરશે એમ પણ કહ્યું હતું.
બીજી તરફ કૉંગ્રેસે પણ ટ્ટીટ કર્યુ છે કે ભારતે યુપીએના સમયમાં 2012માં જ આ ક્ષમતા મેળવી લીધી હતી પરંતુ મોદીએ ચૂંટણી ટાણે ક્રેડિટ લેવા માટે આ કર્યુ છે.
કૉંગ્રેસે ઇન્ડિયા ટૂડેમાં પ્રકાશિત એક જૂના સમાચાર પણ શૅર કર્યા છે.
મમતા બેનરજીની વાતમાં ભારતીય સામ્યવાદી પક્ષે પણ સૂર પુરાવ્યો છે. તેમણે ચૂંટણીપંચને ફરિયાદ કરી છે જેમાં કહ્યું છે કે વડા પ્રધાન પોતે ઉમેદવાર છે અને ચૂંટણીપ્રચાર દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે તે આચારસંહિતાનો ભંગ છે.સીપીઆઈ(એમ)ના જનરલ સેક્રેટરી સીતારામ યેચૂરીએ કહ્યું કે ચૂંટણીપંચે આની પરવાનગી કેમ આપી તે દેશના નાગરિકો જાણવા ઇચ્છે છે.
બસપાના અધ્યક્ષ માયાવતીએ પણ આ મામલે ચૂંટણીપંચે નોંધ લેવી જોઇએ એવું ટ્ટીટ કર્યુ છે. એમણે વિજ્ઞાનીઓની આડમાં રાજનીતિ કરવાનો મોદી પર આરોપ મૂક્યો હતો.
અગાઉ મોદીએ તેમના ભાષણની શરૂઆતમાં કહ્યું કે ભારતે અવકાશક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત એવો ચોથો દેશ છે કે જેને આ સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે કહ્યું, "લો-અર્થ ઑર્બિટમાં ભારતે એક લાઇવ સેટેલાઇટને તોડી પાડ્યો છે. તેને ઍન્ટિ-સેટેલાઇટ મિસાઇલ દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો."
ભારતે આને 'મિશન શક્તિ' નામ આપ્યું હતું અને મોદીના જણાવ્યા પ્રમાણે સમગ્ર મિશનને માત્ર 3 મિનિટમાં પૂર્ણ કરી દેવાયું હતું.
તેમણે કહ્યું, "તમામ ભારતીયો માટે આ એક ગર્વની બાબત છે. ભારતમાં જ વિકસાવવામાં આવેલી એ-સેટ (ઍન્ટિ-સેટેલાઇટ ટૅક્નૉલૉજી) દ્વારા આ મિશન પાર પાડવામાં આવ્યું હતું."
તેમણે સંબોધનમાં આગળ વાત કરતા કહ્યું, "કૃષિ, સંરક્ષણ, સુરક્ષા, સંચાર, મનોરંજન, નેવિગેશન બાબતે સેટેલાઇટ અનિવાર્ય બની ગયા છે. આના વગર જીવનની કલ્પના કરવી મુશ્કેલ બની જાય. ત્યારે સેટેલાઇટની સુરક્ષા કરવી અનિવાર્ય બની જાય છે." મોદીએ વિશ્વ સમુદાયને સંબોધિત કરતા કહ્યું હતું કે અમારી નવી ક્ષમતા એ કોઈ વિરુદ્ધ નહીં, પરંતુ રક્ષાત્મક પહેલ છે. મોદીએ આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વિજ્ઞાનીઓ અને એન્જિનિયરોને અભિનંદન આપ્યાં હતાં.
મોદીએ કહ્યું હતું કે ભારતનું પગલું કોઈ આંતરરાષ્ટ્રીય સંધિ કે કરારનો ભંગ કરતું નથી. તેમણે કહ્યું, "ભારત શાંતિનો માહોલ જાળવી રાખવા માગે છે, આ માટે જે કંઈ કરવું પડશે તે કરશે. આજના પગલાને સુરક્ષિત, સમૃદ્ધ અને શાંતિ પ્રિય રાષ્ટ્રની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલા તરીકે જોવું જોઈએ." "દેશ માટે આજનો દિવસ ગૌરવપૂર્ણ દિવસ છે અને આ અંગે દરેક દેશવાસીની છાતી ગર્વથી ફુલાઈ જશે."
બીબીસી ડિફેન્સના સંવાદદાતા જોનાન્થન માર્કસના કહેવા પ્રમાણે, "સૈન્ય અને નાગરિક ઉપયોગ માટે સેટેલાઇટ્સ ઉપર નિર્ભરતા વધી રહી છે. આથી ઉપગ્રહો ઉપરનું જોખમ પણ વધી જાય છે." "ભારતે સેટેલાઇટ તોડી પાડવાની તેની ક્ષમતાનું નિદર્શન કર્યું છે, તેનાથી વિશ્વના બહુ થોડાં રાષ્ટ્રોની ક્લબમાં ભારતને સ્થાન મળ્યું છે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન બાદ ભાજપ અને કૉંગ્રેસના સમર્થકો વચ્ચે ટ્વિટર પર ટ્વીટ્સનું યુદ્ધ ચાલ્યું હતું. ભાજપના નેતાઓ અને સમર્થકોએ વડા પ્રધાન મોદી અને ભાજપ સરકારને શ્રેય આપ્યો હતો. જ્યારે કૉંગ્રેસના સમર્થકોએ ટ્વિટર પર જવાહરલાલ નહેરુને શ્રેય આપ્યો હતો.
જાહેરાત પૂર્વે દાઉદ ટ્રૅન્ડમાં કેમ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન શરૂ થયું એ પહેલાં જ ટ્વિટર પર દાઉદ ઇબ્રાહિમ અંગે ટ્રૅન્ડ શરૂ થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આચારસંહિતા વચ્ચે શું જાહેરાત કરશે એ અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી હતી. સોશિયલ મીડિયા યૂઝર્સ એવો પણ અંદાજ લગાવી રહ્યા હતા કે દાઉદ ઇબ્રાહિમને ભારત લવાઈ રહ્યો છે.
જાહેરાત પૂર્વે સુરક્ષા સમિતિની બેઠક
મોદીની જાહેરાત પૂર્વે જ સુરક્ષા સંબંધિત કમિટીની બેઠક મળી હતી, જેના કારણે એવી અટકળો લગાવવામાં આવતી હતી કે સુરક્ષા સંબંધિત કોઈ જાહેરાત થઈ શકે છે.
આદર્શ આચારસંહિતા લાગુ હોવાથી હોવાથી તેઓ નીતિવિષયક કોઈ મોટી જાહેરાત કરે તેવી શક્યતા નહિવત્ છે. વડા પ્રધાન મોદીએ સવારે 11 વાગ્યા અને 23 મિનિટે ટ્વીટ કરીને 11.45 થી 12.00 ની વચ્ચે સંબોધન કરશે, પરંતુ 12 વાગ્યા અને 15 મિનિટ સુધી સંબોધન શરૂ થયું ન હતું.