સતત વરસાદના કારણે બિહારનુ પાટનગર પટના જળમગ્ન થયું. રસ્તા પર હોડીઓ ચાલતી દેખાઈ છે પણ આ સ્થિતિમાં એક મૉડલ પર વિવાદ થયો છે.
એક તરફ ગળાડૂબ પાણીમાં રડી રહેલા એક રિક્ષાચાલકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જ્યારે બીજી તરફ જલમગ્ન પટનાના રસ્તા પર ફૅન્સી ફોટોશૂટ કરાવી રહેલી એક મૉડલ ચર્ચાનું કેન્દ્ર બની છે.
ફોટોમાં મૉડલ પૂર જેવી સ્થિતિની મજા માણતી દેખાઈ રહી છે. ગ્લૅમરસ અંદાજમાં પડાવેલી આ મૉડલની તસવીરોની લોકો ટીકા કરી રહ્યા છે તેમજ આ તસવીરોને અસંવેદનશીલ ગણાવી રહ્યા છે.
લોકોનું કહેવું છે કે પૂર જેવી સ્થિતિ એ કોઈ ઉજવણીની માટેની તક નથી, એમાં ઘણા લોકોનાં મોત થઈ જાય છે તેમજ ઘણા લોકો બેઘર બની જતા હોય છે. લોકો આ ફોટોશૂટ કરનાર ફોટોગ્રાફરને પણ લાગણીશૂન્ય ગણાવી રહ્યા છે.
ફોટોગ્રાફરનો ઉદ્દેશ
ફોટોગ્રાફર સૌરભ અનુરાજે આ તસવીરો ફેસબુક પર શૅર કરતાં કેપ્શનમાં લખ્યું - "આપદામાં જલપરી"
એક યૂઝરે આ તસવીરો પર કમેન્ટ કરી છે કે આ મૂર્ખતાપૂર્ણ પગલું છે અને પૂર જેવી આપત્તિની ગંભીરતા ઘટાડે છે, તો ઘણા આ પગલાને રચનાત્મક ગણાવી રહ્યા છે.
બીજી તરફ અનુરાજ ફોટોશૂટને સ્થિતિની ગંભીરતા તરફ લોકોનું ધ્યાન આકર્ષવાની રીત ગણાવી રહ્યા છે.
તેઓ જણાવે છે કે, "હું લોકોનું ધ્યાન બિહારના પૂર તરફ આકર્ષવા માગું છું. જ્યારે અન્ય રાજ્યોમાં પૂર આવે છે ત્યારે આખા દેશમાંથી લોકો પૂરગ્રસ્તોને મદદ કરવા માટે આગળ આવે છે, પરંતુ બિહારના પૂરથી સર્જાતી પરિસ્થિતિની ચર્ચા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મીડિયામાં એટલી થતી નથી."
"જ્યારે તમે સોશિયલ મીડિયા પર પૂરની સામાન્ય તસવીરો શૅર કરો છો ત્યારે લોકો તેને જોઈને 'સો સેડ' કમેન્ટ કરે છે અને આગળ જતા રહે છે. હું ઇચ્છું છું કે લોકો તસવીરોને થોડા વધારે સમય સુધી જુએ, તેથી મેં આવું ફોટશૂટ કર્યું છે."
પરિસ્થિતિની મજાક ઉડાવતી મૉડલ?
ફોટોમાં દેખાઈ રહેલી મૉડલ અદિતિસિંહ જણાવે છે કે આ ફોટોશૂટનો ઉદ્દેશ પૂર જેવી સ્થિતિથી પીડિત લોકોની મજાક ઉડાવવાનો નહોતો. તે જણાવે છે કે સોશિયલ મીડિયા પર લોકો આ ફોટોશૂટને અયોગ્ય રીતે લઈ રહ્યા છે.
અદિતિ પટના NIFTનાં વિદ્યાર્થિની છે અને ફેશન ડિઝાઇનિંગનો કૉર્સ કરી રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટીકાથી પરેશાન અદિતિ જણાવે છે કે, "પટનાની હાલની સ્થિતિને લઈને હું ઘણી દુ:ખી છું. મને એ બધા લોકોની ખૂબ જ ચિંતા છે. આખું પટના પરેશાન છે અને હું પણ છું, પરંતુ લોકો એવું કહી રહ્યા છે કે અમે તેમની મજાક ઉડાવી રહ્યા છીએ, જે સાચું નથી."
એક તરફ જ્યાં ફોટોગ્રાફર સૌરભ અનુરાજ આ ફોટોશૂટને લોકોનું ધ્યાન આકર્ષવા માટેની રીત ગણાવી રહ્યા છે, તો બીજી તરફ અદિતિ આ ફોટોશૂટને પાણી ભરાયાંની સ્થિતિ ગંભીર બની એ પહેલાનું ગણાવી રહ્યાં છે.
તેઓ જણાવે છે કે, "આ ફોટોશૂટ પટનામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ એ પહેલાંનું છે. એ સમયે કોઈનેય ખબર નહોતી કે સ્થિતિ આટલી બધી ગંભીર બની જશે, પરંતુ લોકો તેને હાલની સ્થિતિ સાથે સાંકળીને જોઈ રહ્યા છે અને મને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરાઈ રહી છે."