કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની મુશ્કેલીઓ દૂર થવાનું નામ નથી લેતી. તેની પરિસ્થિતી એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ છે. રાજદ્રોહ કેસમાં આજે સાબરમતી જેલમાંથી બહાર નીકળતાની સાથે જ હાર્દિક પટેલની માણસા પોલીસે જાહેરનામાના ભંગ બદલ ધરપકડ કરી છે. હાલમાં હાર્દિકને ગાંધીનગર એલસીબી ખાતે લઈ જવામાં આવ્યો છે. ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. રાજદ્રોહ કેસમાં સેશન્સ કોર્ટે બુધવારે હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યા હતા.બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે હાર્દિકને શરતી જામીન આપ્યા હતા. તેમજ કોર્ટે હાર્દિકને હવે પછી કેસની તારીખમાં ફરજીયાત હાજર રહેવાનો આદેશ કર્યો હતો. જ્યારે હાર્દિકના વકીલે કોર્ટમાં બાહેંધરી આપી હતી કે, હાર્દિક હવે ફરીથી આવી ભૂલ કરશે નહીં. આમ હાર્દિક રાજદ્રોહ કેસમાં શરતી જામીન મળતા જેલ બહાર આવ્યો હતો.