કોઈ રાજ્યમાં રાજા-રાણી રહેતા હતા. રાણી ગર્ભવતી હતી. તેણે જંગલી કારેલા ખાવાની ઈચ્છા રજૂ કરી. રાજાને જંગલમાં કારેલા દેખાયા. તેણે તે તોડીને થેલીમાં ભરી લીધી. તેટલામાં નાગદેવતા ત્યાં આવી પહોચ્યાં અને બોલ્યા કે મને પૂછ્યા વગર કેમ તોડી લીધા ? તો રાજાએ હાથ જોડીને કહ્યુ કે મારી પત્ની ગર્ભવતી છે અને તેને આ ખાવી હતી. મને અહીં દેખાયા તો મેં તોડી લીધા. મને ખબર હોત કે આ તમારા છે તો હું જરુર પૂછી લેત. હવે મને ક્ષમા કરો.
નાગદેવતા બોલ્યા - હું તમારી વાતો માં નહી આવુ. આ કારેલાને અહીં મુકી દો અથવા તો તમારી પહેલી સંતાન મને આપી દેજો. રાજા કારેલા ઘરે લઈ આવ્યો અને પોતાની પ્રથમ સંતાન આપવાની વાત પણ કરી આવ્યો. રાણીને તેણે બધી વાત કરી છતાં રાણીએ કારેલા ખાવાની ઈચ્છા ન છોડી.
થોડા સમય પછી એક રાણીએ એક પુત્રી અને પુત્રને જન્મ આપ્યો. નાગને ખબર પડી તો તે પહેલી સંતાન માંગવા લાગ્યો. રાજા કદી કહેતાં મુંડન પછી તો કદી કહેતા કાન છેદયા પછી લઈ જજો. છેવટે રાજાએ કહ્યું કે લગ્ન પછી લઈ જજો. નાગ પહેલા તો રાજાની વાતો માનતો રહ્યો, પણ જ્યારે રાજાએ લગ્ન પછી લઈ જવાની વાત કરી તો નાગે વિચાર કર્યો કે લગ્ન પછી તો કન્યા પર પિતાનો અધિકાર રહેતો નથી. તેથી કોઈ બીજું બહાનું બનાવીને છોકરીને લગ્ન પહેલાં જ લઈ જવી પડશે.
એક દિવસે રાજા પોતાની પુત્રીને તળાવ પર નહાવા માટે લઈ ગયો. તળાવના કિનારે એક સુંદર કમળનું ફુલ હતુ. રાજાની પુત્રી ફૂલ તોડવા આગળ વધી તો કમળનું ફૂલ પણ આગળ વધ્યું ફૂલની સાથે-સાથે છોકરી પણ આગળ વધતી ગઈ. જ્યારે રાજાની પુત્રી ઉંડાણમાં ડૂબી ગઈ ત્યારે નાગે રાજાને કહ્યું કે હુ તમારી છોકરીને લઈ જઉં છું આ સાંભળી રાજા મૂર્છિત થઈ ગયો. જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તે માથું પછાડી-પછાડીને મરી ગયો.
રાજાના મૃત્યુના સમાચાર અને પુત્રીને નાગ લઈ ગયો છે તેવી ખબર પડતાં રાણી પણ તેમના વિયોગમાં મરી ગઈ. છોકરો એકલો છે જોઈને સગાં-સંબંધીઓએ રાજપાટ છીનવી લીધું અને તેને ભિખારી બનાવી દીધો.
તે ઘેર-ઘેર ફરીને ભીખ માંગતો, અને પોતાનું દુ:ખ સૌને કહેતો, એક દિવસે જ્યારે તે નાગદેવતાની ઘેર ભીખ માંગવા ગયો તો બહેનને તેનો અવાજ સંભળાયો. તેને અવાજ જાણીતો લાગ્યો. તેણે બહાર આવીને જોયું અને પોતાના ભાઈને ઓળખી લીધો. પ્રેમથી તેને અંદર બોલાવી લીધો. બંને પ્રેમથી ત્યાં રહેવા લાગ્યા.