સુરત અગ્નિકાંડઃ બે મહિના બાદ ક્રાઈમ બ્રાંચ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરશે
સોમવાર, 22 જુલાઈ 2019 (12:26 IST)
સુરતના તક્ષશિલા અગ્નિકાંડ ઘટનાના 59 દિવસ બાદ આજે ક્રાઇમબ્રાંચ 11 તહોમતદારો સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાશે.સરથાણા જકાતનાકા પાસે તક્ષશિલા આર્કેડમાં 24 મે શુક્રવારે આગની ઘટના બની હતી. જેમાં 22 માસૂમોનો જીવ ગયો હતો. આ ઘટનામાં ગંભીર બેદરકારી બહાર આવતા સરથાણા પોલીસમાં જવાબદારો સામે ગુનો નોંધાયો હતો. જેની તપાસ ક્રાઇમબ્રાંચના એસીપી આર.આર.સરવૈયાને સોંપવામાં આવી હતી. અત્યાર સુધીમાં ક્રાઇમબ્રાંચે ડ્રોઇંગ કલાસીસના સંચાલક ભાગર્વ મનસુખ બુટાણી, હરસુખ કાનજી વેકરીયા, જીગ્નેશ સવજી પાઘડાળ, જીગ્નેશના પિતા સવજી પાઘડાળ, બિલ્ડર રવિન્દ્ર ઘનશ્યામ કહાર, પાલિકાના કાર્યપાલક ઈજનેર પરાગ મુનશી, જયેશ સોલંકી, ફાયર બ્રિગેડના એસ.કે આચાર્ય અને કિર્તી મોઢ ડેપ્યુટી ઈજનેર વિનુ પરમાર, ડીજીવીસીએલના નાયબ ઈજનેર દિપક ઈશ્વરલાલ નાયકની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા. આ અગ્નિકાંડને 59 દિવસ થયા છે.આજે ક્રાઇમબ્રાંચ 11 તહોમતદારો સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાશે. અને અંદાજીત 3500થી 4000 પાનાની ચાર્જશીટ રજૂ કરશે. આ અગ્નિકાંડમાં 150થી 175 સાક્ષીઓ છે. જ્યારે હિમાંશું, અતુલ અને દિનેશને ચાર્જશીટમાં વોન્ટેડ બતાવ્યા છે.